(સંવાદદાતા દ્વારા)
પાલનપુર, તા.૧૧
અંબાજી આરટીઓ ચેકપોસ્ટ પર ટ્રક ચાલકો પાસેથી નાણાં પડાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથેનો ટ્રકચાલકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. ચેક પોસ્ટ નાબૂદ કરવામાં આવી હોવા છતાં આરટીઓ દ્વારા કંઈક ખોટું કરવામાં આવતું હોવાની શંકા જરૂર ઊભી થવા પામી છે.
દાંતા અંબાજી વિસ્તારમાં આરટીઓના સિમ્બોલ વાળી ગાડીમાં સવાર વ્યક્તિઓ દ્વારા રાત્રી દરમિયાન શંકાસ્પદ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. અંબાજી આરટીઓ ચેકપોસ્ટ પર ટ્રક ચાલકો પાસેથી નાણાં પડાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથેનો ટ્રકચાલકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. આ વીડિયોમાં રાજસ્થાનના ટ્રક ચાલકો આક્ષેપ કરતાં જણાવી રહ્યા છે કે, ગુજરાત આરટીઓ ચેક પોસ્ટ નાબૂદ કરી હોવા છતાં સાદા ડ્રેસમાં રહેલા અધિકારી ઉઘરાણા કરી રહ્યા છે. રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી ગાડીઓના ચાલકોને હેરાન કરાય છે અને ગાડી દીઠ રૂપિયા ૪૦૦ માંગવા આવી રહ્યા છે. ડ્રાઇવરો પાસે તમામ કાગળિયા હોવા છતાં ગાડીઓ રોકવામાં આવી રહી છે. આમ એક કલાક સુધી ચાલકોને રોકી રાખવામાં આવ્યા હતા. જો કે, ભારે વિવાદ થતાં આરટીઓ દ્વારા તમામ ટ્રકોને જવા દેવામાં આવી હતી. ચાલકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આરટીઓ ઇન્સ્પેક્ટર સાદા ડ્રેસમાં હતા અને ગાડીમાં આરટીઓનો ડ્રેસ લટકાવેલો હતો. ત્યારે આરટીઓ અધિકારી દ્વારા આ આક્ષેપો સામે તપાસ કરવામાં આવે તેવી ચાલકોની માંગ ઉઠવા પામી છે.