વાગરા, તા.૩૦
વાગરાના અરગામા ગામે કેમિકલ ઝોનમાં આવેલ અંસિકા પોલીસર્ફ નામની કંપની દ્વારા તેના મુસ્લિમ કર્મચારીઓ ને શુક્રવાર ની નમાઝ માટે રિસેસ દરમિયાન કંપની બહાર જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવતા કંપનીના કર્મચારીઓ સહિત તાલુકાભરના મુસ્લિમ સમાજમાં કંપની વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે.કંપની ની ચોક્કસ સમાજ વિરોધી નીતિ ની ચારેકોરથી ટીકાઓ થઈ રહી છે. કંપનીની ચોક્કસ વર્ગના લોકોના ધાર્મિક સ્વાતંત્રય પર તરાપ મારવાની નીતિ-રીતિ ને ચારેકોર થી વખોડી કાઢવામાં આવી છે.અને કંપની પોતાના નિર્ણય અંગે ફેર વિચારણા નહિ કરે તો કંપની સામે આવનાર સમયમાં જલદ આંદોલનના ભણકારા વાગી રહયા છે.અત્રે નોંધનીય છે કે મુસ્લિમ સમાજ માટે નમાઝ નું અનેરું મહત્વ રહેલું છે અને તેમાંય ખાસ કરીને શુક્રવારની નમાઝ મસ્જિદમાં પઢવાનું પુણ્ય અનેક ઘણું વધારે હોવાથી મુસ્લિમ બિરાદરો મસ્જિદમાં જમાત સાથે નમાઝ અદા કરવાનું વધારે પસંદ કરતાં હોય છે.તેવામાં અંસિકા કંપનીએ તેના મુસ્લિમ કર્મીઓ ની જુમ્મા ની નમાઝ મસ્જિદમાં પઢવા જવા પર રોક લગાવી દેતા પંથકમાં કંપની વિરુદ્ધ ભારે વિરોધનો વંટોળ ઉભો થવા પામ્યો છે.
નમાઝ માટે કર્મચારી બહાર જાય તો અકસ્માતનો ભય રહે છે : ચિરાગ ભાઈ (યુનિટ હેડ-અંસિકા પોલીસર્ફ)
અંસિકા પોલીસર્ફ કંપનીના યુનિટ હેડ ચિરાગ ભાઈએ ટેલીફોનિક વાતચીત માં જણાવ્યું હતું કે મુસ્લિમ કર્મીઓ નમાઝ માટે કંપનીની બહાર જાય તો અકસ્માતનો ભય રહે છે.કમનસીબે અકસ્માત સર્જાય તો કંપની સંચાલકો ની મુશ્કેલીઓ વધી જતી હોય છે.જેથી કંપની મુસ્લીમ કર્મચારીઓ માટે શુક્રવારે રજા રાખશે અન્યથા બીજી પાળીમાં નોકરીની ગોઠવણ કરશે તેવી વાત હાલ વિચારણા હેઠળ હોવાનો યુનિટ હેડે એકરાર કર્યો હતો.
ધાર્મિક અધિકાર માટે ના છૂટકે આંદોલન કરવું પડશે : ઐયુબ પટેલ (સરપંચ-અરગામા)
અંસિકા કંપની દ્વારા નમાઝ માટે તેના કર્મચારીઓ ને લગાવેલ મનાઈ બાબતે અરગામા ના સરપંચ ઐયુબ પટેલે આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે વિલાયત અને સાયખા ઔદ્યોગિક ઝોનમાં આવેલ અનેક કંપનીઓ તેના મુસ્લિમ કર્મીઓ ને શુક્રવારની નમાઝ માટે કર્મચારીઓને મસ્જિદમાં નમાઝ અદા કરવા સારું કંપની બહાર જવાની રજા આપે છે.ત્યારે અંસિકા કંપનીના ના સંચાલકો ખિસ્સાના ફતવા જાહેર કરી નમાઝ પર રોક લગાવવાની કોશિશ કરી રહયા છે.તે કદાપિ ચલાવી લેવામાં નહિ આવે.જુમ્મા ની નમાઝ મસ્જિદમાં અદા કરવાનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે અંસિકા કંપની મેંનેજમેન્ટ નમાઝ માટે મુકવામાં આવેલ પ્રતિબંધ વહેલી તકે દૂર નહિ કરે તો અમારે ના છૂટકે ધાર્મિક અધિકાર માટે આંદોલનનો સહારો લેવાની ફરજ પડશે.