વડોદરા પાસે નેશનલ હાઇવે પર સર્જાયેલ ગોઝારા અકસ્માત આહીર સમાજના ૧૧ લોકોના મોત નીપજ્યાં હતા. આ મૃતકો પૈકી સુરતના પુણા ગામ વિસ્તારમાં રહેતા એક જ જીંજાલા પરિવારના ૫ સભ્યોનો સમાવેશ થાય છે. જે પૈકી એક મૃતક યુવકની સગાઈ થઈ ગઈ હતી અને લગ્ન થવાના હતા.
સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી આશાનગર સોસાયટીમાંથી ઘર નંબર ૩૮માંથી જીંઝાલા પરિવારના ૯ જણાં ડાકોર, વડતાલ અને પાવાગઢના પ્રવાસે નીકળ્યા હતા. દરમિયાન વડોદરા પાસે નેશનલ હાઇવે પર આઈસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. જેમાં આ જીંજાલા પરિવારમાંથી સુરેશ, દયાબેન, આરતી સહિત ૫ના મોત થયા છે. જ્યારે અન્ય ૪ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં ભોગ બનનાર પરિવારના પાડોશી કેશુભાઈએ જણાવ્યું હતું કે, આ પરિવારના ૯ સભ્યો ધાર્મિક પ્રવાસે આઈસર ટેમ્પોમાં રાત્રે ૧૧ વાગ્યે નીકળ્યા હતા. પરિવારના ચાર બાળકો ગામડેથી સુરત દિવાળી કરવા માટે આવ્યા હતા. મંગળવારે સવારે કામરેજ હનુમાન મંદિરે દર્શન કરવા ગયું હતું. ત્યારબાદ રાત્રે ડાકોર, વડતાલ અને પાવાગઢ જવાનું હોવાથી રસોઈ બનાવી લઈ તમામ તૈયારીઓ કરી લીધી હતી. રાત્રે અકસ્માત થયો અને સવારે સમાચાર જોતા જાણ થઈ હતી. કેશુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હરેશભાઈ જીંજાલા અને બટુકભાઈ જીંજાલા સુરતમાં રહેતા હતા. જ્યારે અન્ય ત્રણ ભાઈ વતન રાજુલામાં રહેતા હતા. હરેશભાઈ સહિત પરિવારના તમામ સભ્યોનો સ્વભાવ ખૂબ જ સારો હતો. છેલ્લા ૨૦થી વધુ વર્ષથી અહીં રહે છે. સોસાયટીના તમામ સભ્યો સાથે પરિવારની જેમ જ રહેતો હતો. હરેશભાઈનો પિતરાઈ ભાઈ સુરેશ રત્નકલાકાર હતો અને તેની સગાઈ થઈ ગઈ હતી. દિવાળી બાદ અટલે કે આ વર્ષે જ તેના લગ્ન થવાના હતા.

પાવગઢ પછી ડાકોર દર્શને જવાના હતા

ઇજાગ્રસ્ત અને મૃતકના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે આ લોકો મૂળ વતન મહુવા તાલુકાના રાજુલા અને ભાવનગર તથા મહુવાની આસપાસનાં ગામોના વતની છે. છેલ્લાં ૨૦ વર્ષથી સુરતમાં રહેતા હતા. સુરતના વરાછા અને પૂણા ગામ પાસે આવેલી સીતારામ સોસાયટી અને આશાનગરમાં રહેતા હતા. હીરા અને કાપડ ઉદ્યોગમાં નોકરી કરતા હતા. રાત્રે ૧૧ વાગ્યે નીકળ્યા હતા અને પાવાગઢ દર્શન કરીને ડાકોર દર્શન કરવા જવાના હતા. જોકે પાવાગઢ પહોંચે એ પહેલાં જ અકસ્માત થયો હતો. રાત્રે ૩ વાગ્યે વડોદરા પાસે અકસ્માત થયો હતો, જેમાં ૧૧ લોકોનાં મૃત્યુ થતાં સુરતના વરાછા અને પૂણા ગામમાં રહેતા પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.