પાટણ,તા.૧૦
પાટણના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ અગ્રણી જગદીશ ઠાકોરે વડગામ તાલુકાના ભલગામના અકસ્માતમાં મૃત્યું પામનાર ૯ વ્યક્તિઓના પ્રત્યેક શ્રમજીવી પરિવારને રૂા.૪-૪ (ચાર લાખ લેખે) સહાય ચૂકવવા તેમજ ઈજાગ્રસ્તોને આર્થિક સહાય ચૂકવવા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી છે.
પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું છે કે, ગત તા.૭/૬/ર૦૧૯ના રોજ વડગામ તાલુકાના ભલગામ ગામના મુસ્લિમ સિપાઈ સમાજના વ્યક્તિઓ હઝરત અંતરશાપીરની દરગાહે ગયા હતા અને દાંતા અંબાજી પાસે ત્રિશુળિયા ઘાટ પાસે તેમના જીપડાલાને ગંભીર અકસ્માત નડ્યો હતો. જેમાં નવ વ્યક્તિઓના મોત થયા હતા અને રપથી વધુ ઈજાગ્રસ્ત થયા છે. જેઓ હાલ પાલનપુર અને મહેસાણાની હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
અકસ્માતમાં મૃત્યું પામનાર અને ઈજાગ્રસ્ત બનેલ તમામ પરિવારો છુટક મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોઈ મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી અથવા ગુજરાત સરકાર તરફથી સહાયરૂપે મૃત્યું પામનાર નવ મૃતકોના પ્રત્યેક પરિવારને રૂા.૪ લાખ સહાય ચુકવવા તેમજ ઈજાગ્રસ્તોને સારવાર ખર્ચને પહોંચી વળવા યોગ્ય આર્થિક સહાય ચુકવવામાં આવે તેવી માંગણી કરી છે.