(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
સરકારી સ્કૂલોમાં મધ્યાહ્‌ન ભોજન પહોંચતું કરતાં અક્ષયપાત્ર સંસ્થામાં કામ કરતાં સમયે મશીનમાં આવી જતાં મહિલાને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. આ મહિલા કર્મચારીને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવાની માંગ સાથે સાથી કર્મચારીઓ સવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જો કે અક્ષયપાત્ર ફાઉન્ડેશનના મેનેજમેન્ટે મહિલાને યોગ્ય સારવાર આપવાની બાંહેધારી આપતા કર્મચારીઓએ આજે હડતાળ સમેટી લીધી છે આજે બાળકોને ભોજન પહોંચાડ્યું હતું.
વડોદરા શહેરના ગોત્રી હરીનગર પાસે ધરમપુરામાં આવેલી અક્ષયપાત્ર સંસ્થામાં મંથરાબહેન ભોઇ (ઉ.વ.૪૦) ભોજન બનાવવાનું કામ કરે છે. તા.૬ ઓક્ટોબરના રોજ મોડી રાત્રે તેઓ લાડુ બનાવવાનું કામ કરતા હતા તે સમયે એકાએક તેઓની સાડીનો છેડો મશીનમાં આવી જતાં મશીનમાં ગયેલા મંથરાબહેનને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. મેનેજમેન્ટ દ્વારા તૂરંત જ તેઓની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હાલમાં સારવાર લઇ રહેલી મહિલા કર્મચારીની હાલત નાજુક છે.
૧૦ દિવસ પૂર્વે બનેલી ઘટનામાં મંથરાબહેનની તબિયતમાં કોઇ સુધારો થયો ન હતો. જેથી કર્મચારીઓના ન્યાય અન્યાય માટે કામ કરતાં કેમિકલ મજદૂર પંચાયત દ્વારા ઇજાગ્રસ્ત મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ મેનેજમેન્ટ દ્વારા મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં ન આવતાં કર્મચારીઓ સવારથી બે મુદ્દતી હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જેથી ૪૫૦ જેટલી શાળાઓનાં એક લાખ બાળકો ભોજન વિના ટળવળ્યા હતા. છેવટે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે સમાધાન થતાં કર્મચારીઓ આજે કામ પર પરત ફર્યાં હતા. જેથી બાળકોને આજે ભોજન મળ્યું હતું.