(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨
વડોદરા જિલ્લાની ડેસણ વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા હતા. પણ તેમણે ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયા સાથે બનતું ન હોવાથી સીધી અસર પેટા ચૂંટણી ઉપર થશે. ભાજપમાં રાજકીય ડખો નિશ્ચિત છે. અક્ષય પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયા સામે સુુગર કૌભાંડ અંગે આક્ષેપો કરી આંદોલન કરેલું. હવે અક્ષય પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે પણ બંને વચ્ચે મનમેળ જામતો નથી. આજે ભાજપના પ્રદેશ આગેવાનોએ સંક્લન બેઠક યોજી હતી. અક્ષય પટેલ બેઠક ચાલુ થયા પછી આવ્યા હતા. જ્યારે સતિષ નિશાળિયા ચાલુ બેઠકે નીકળી ગયા હતા. કરજણ બેઠક ઉપર હવે ચૂંટણી યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. આગામી નવેમ્બર પહેલા પેટા ચૂંટણી યોજાશે સંકલન સમિતિ બેઠકમાં અક્ષય પટેલને હાજર રાખવામાં આવ્યા હતા. તેનો સીધો અર્થ થાય ચે કે, તેમને ભાજપ ટિકીટ આપશે. બીજી તરફ કોંગ્રેસે પણ પેટા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જિલ્લા પંચાયતની બેઠકો ઉપર પ્રભારીઓની નિયુક્તિ કરી દીધી છે. ટિકીટ માટે ઉમેદવારની પસંદગી કરવા પણ બેઠક યોજવામાં આવી હતી.