કાશીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઇદગાહ મસ્જિદને દૂર કરવા જરૂર પડશે તો અમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું : અખાડા પરિષદ

(એજન્સી) તા.૮
હિંદુઓની મઠ પરંપરાની માન્ય એવી ૧૩ સંસ્થાઓની બનેલી અખિલ ભારતીય અખાડા પરિષદે કાશી અને મથુરામાં આવેલા મંદિરોની નજીક આવેલી મસ્જિદોને દૂર કરીને આ બંને ધાર્મિક સ્થાનોને મુક્ત કરાવવાની માંગ કરી હતી. પોતાની આ માંગને ટેકો આપવા પરિષદે વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) જેવી હિંદુ સંસ્થાનો પણ હાકલ કરી હતી.
કાશી (વારાણસી)માં આવેલા જગ પ્રસિદ્ધ વિશ્વનાથ મહાદેવના મંદિરની દિવાલને અડીને જ જ્ઞાનવાપી મસ્જિદની દિવાલ આવેલી છે, જ્યારે મથુરામાં કૃષ્ણજન્મ ભૂમિના મંદિરની બાજુમાં જ શાહી ઇદગાહ મસ્જિદ આવેલી છે. અખાડા પરિષદ હવે આ બે મસ્દિજોને દૂર કરવાની માંગ કરી રહી છે. પ્રયાગરાજ ખાતે આવેલા મઠ બાઘંબરી ગાદી સંસ્થાન ખાતે મળેલી અખાડા પરિષદની બેઠકમાં દેશના તમામ અખાડાના મઠઆધિપતિ સંતો હાજર રહ્યા હતા અને સર્વાનુમતે આઠ ઠરાવ પસાર કર્યા હતા અ સાથે માંગણી કરી હતી કે ૫૦૦ વર્ષની રાહ જોયા બાદ છેવટે અયોધ્યા ખાતે ભગવાન રામના મંદિરનું બાંધકામ શરૂ થઇ ગયું હોઇ હવે કાશી અને મથુરાને મુક્ત કરાવવાનો સમય પાકી ગયો છે જેના માટે જરૂર પડશે તો અખિલ ભારતીય અખાડા પરિષદ સુપ્રીમ કોર્ટનો પણ સંપર્ક કરશે. પોતાની આ માંગને ટેકો આપવા પરિષદે વિશ્વ હિંદુ પરિષદ અને આરએસએસ સહિતની તમામ હિંદુ સંસ્થાઓને હાકલ કરી હતી અને મુસ્લિમો સહિતના દેશના તમામ નાગરિકોને પોતાની માંગનું સમર્થન કરવાની વિનંતી કરી હતી. અમે ઇચ્છીએ છીએ કે આ અમારી ઘમાં લાંબા સમયની પડતર માંગણી છે અને તેનો ઉકેલ સર્વસંમતિથી અને તમામ પક્ષકારોને માન્ય હોય એવી કોઇ ફોર્મ્યૂલાથી આવે એમ અમે ઇચ્છીએ છીએ, પરંતુ જો તેમ નહીં થઇ શકે તો અખાડા પરિષદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે એમ અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેદ્ર ગીરીએ કહ્યું હતું. આગામી વર્ષે આવી રહેલા માઘ મેળાના મુદ્દે અખાડા પરિષદે રાજ્ય સરકારને ધાર્મિક ઉત્સવો અને મેળાવડાઓ ઉપર પ્રતિબંધ નહીં લાદવાની વિનંતી કરી હતી. અમે ઇચ્છીએ છીએ રાજ્ય અને કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ માટે જે ગાઇડલાઇન્સ બહાર પાડી છે તેની મર્યાદામાં રહીને પણ મેળાનું આયોન તો થવું જ જોઇએ. તે સાથે અમે એવી પણ માંગણી કરીએ છીએ કે કોવિડ-૧૯ની ગાઇડલાઇન્સનું યોગ્ય પાલન થાય તે માટે મેળાના સંકુલમાં સંસ્થા, સંઘ કે સંગઠનને બદલે નિયમિત કલ્પવાસીઓને જ રહેવાની મંજૂરી અપાવી જોઇએ એમ મહંત ગીરીએ કહ્યું હતું.