(એજન્સી) તા.૯
ઇરાનના ચુનંદા રેવોલ્યુશનરી ગાર્ડ દ્વારા શુક્રવારે અખાત પ્રદેશમાં અજાણ્યા સ્થળે મિસાઇલનો ભૂગર્ભીય ભંડાર હોવાનો ઘટસ્ફોટ કરતાં તહેરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ તણાવ વધુ ઉગ્ર બન્યો છે. ઇરાનના સરકારી મીડિયાએ મેજર જનરલ હુસૈન સલામીને ટાંકીને જણાવ્યું છે કે આ ભૂગર્ભીય મથકમાં રેવોલ્યુશનરી ગાર્ડની નૌસેનાના વ્યૂહાત્મક મિસાઇલોનો ભંડાર છે. ગઇ સાલ ગાડ્‌ર્સ દ્વારા જણાવાયું હતું કે ઇરાને અખાતી સમુદ્રકાંઠે ભૂગર્ભીય મિસાઇલ શહેરો ઊભા કર્યા છે જેના કારણે ઇરાનના શત્રુ દેશોની ચિંતા વધી ગઇ હતી. આ મિસાઇલ સેંકડો કિ.મી.ની રેંજ ધરાવે છે અને સચોટતા સાથે તેની વિનાશક તાકાત હોવાનું જાણવા મળે છે. આ મિસાઇલ શત્રુઓના ઇલેક્ટ્રોનિક યુદ્ધ ઉપકરણો સામે પણ ટક્કર ઝીલી શકે છે એવું સલામીએ જણાવ્યું હતું. તાજેતરમાં રેવોલ્યુશનરી ગાર્ડ અને અમેરિકન સૈન્ય વચ્ચે અખાતી પ્રદેશમાં સમયાંતરે સંઘર્ષ થતો રહે છે. અમેરિકાએ એવો આક્ષેપ કર્યો છે કે રેવોલ્યુશનરી ગાર્ડની નૌસેના જ્યારે અમેરિકાન યુદ્ધ જહાજો પસાર થાય છે ત્યારે તેને હેરાન કરવા ફાસ્ટ એટેક બોટ્‌સ મોકલવામાં આવે છે. ૨૦૧૮થી તહેરાન અને વોશિંગ્ટન વચ્ચે તંગદિલી ચાલી રહી છે કે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન અને છ વિશ્વ સત્તાઓ વચ્ચે થયેલ ૨૦૧૫ની પરમાણુ સંધિમાંથી અમેરિકાને હટાવી લીધું હતું.