દોહા, તા. ૧૪
સઉદી અરબ અને યુએઇ દ્વારા દોહા સાથે સંબંધો સમાપ્ત કરવાના મહિનાઓ બાદ કતરના અમીરે જણાવ્યંુ છે કે, તેમનો દેશ અખાતી દેશો વિના પણ હજાર ગણું સારૂ છે. દેશની નીચલી સંસદ શૂરા કાઉન્સિલમાં બોલતા અમીર શેખ તમિમ બિન હમાદ અલ-થાનીએ જણાવ્યું કે, સરકારને કોઇ સમસ્યા નથી પરંતુ જુના સાથી અને પાડોશીઓ આ દેશને વિના કારણે વિવાદમાં ઢસડવા માગે છે. તેમણે કહ્યંુ કે, અમારા બહિષ્કારથી અમે ડરી જવાના નથી, અમે તેમના કરતા હજાર ગણા સારા છીએ. અમીરે કાઉન્સિલના સભ્યો તથા વિદેશ સચિવો સામે ઉગ્ર પ્રવચન આપ્યું હતું. શેખ તમિમે જણાવ્યું કે, સરકાર ભોજનની સુરક્ષા યોજનાઓ લાવી રહી છે અને પાણીની સુરક્ષા અંગે પણ ખાસ ધ્યાન આપવા કહ્યું છે જેમાં તેના જુના સાથી અરબ દેશોની કોઇ મદદની જરૂર ભવિષ્યમાં ન પડે તેનું ધ્યાન રખાયું છે. અરબના ચાર રાજ્યો દ્વારા બહિષ્કાર કરાયા બાદ ઇરાન અને તુર્કીએ કતરની મદદ માટે હાથ લંબાવ્યા હતા. સઉદી અરબ, યુએઇ, બેહરીન અને ઇજિપ્તે જુનમાં કતર સાથેના સંબંધો તોડી નાખ્યા હતા અને જમીનની સરહદો પણ સીલ કરી દીધી હતી. તેમણે કતર સરકાર પર ઇસ્લામિક કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો જેમાં ઇરાન તેને સમર્થન આપે છે તેમ પણ કહ્યુ હતું. ૩૬ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ગલ્ફ દેશોમાંથી કોઇ દેશનો વિરોધ કરાયો હતો. કુવૈત અને અમેરિકાની મધ્યસ્થી બાદ પણ બંને પક્ષો વચ્ચે કોઇ સમાધાન સધાયું નહોતું.