ભૂજ, તા.ર૮

અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા કચ્છ જિલ્લા કલેકટર, આઈજી અને એસપીને આવેદનપત્રો પાઠવી રાપર તાલુકાના ટગા ગામે થયેલ ખૂન પ્રકરણમાં નિર્દોષ વ્યક્તિઓની ખોટી સંડોવણી કરાયાનું જણાવી એફઆઈઆરમાંથી નિર્દોષ લોકોના નામો રદ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. આ રજૂઆત વેળા આ સંસ્થાના પ્રમુખ ઈબ્રાહિમ હાલેપોત્રા, મહામંત્રી અબ્દુલભાઈ રાયમા, ભૂજ યુવા પાંખના પ્રમુખ મજીદ પઠાણ, રાપર તાલુકાના પ્રમુખ અનવરશા સૈયદ વગેરે હાજર રહ્યા હતા.

આ રજૂઆતમાં જણાવાયું છે કે રાપર તાલુકાના ટગા ગામે તા.ર૩/૭/ર૦ના ખૂન થયેલ છે. જે એક દુઃખદ ઘટના છે અને ખૂન કરનાર આરોપીને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે પણ તેમની સાથે-સાથે અન્ય ર૭ જણાના નામો એફઆઈઆરમાં દાખલ કરેલ છે જે અમો તપાસ કરતા અને અમોને જાણવા મળેલ તે પ્રમાણેના પરાવા આપ સાહેબોને રજૂ કરીએ છીએ જે ચકાસણી સહિતને નિર્દોષ વ્યક્તિઓના નામો એફઆઈઆરમાંથી રદ કરવા અપીલ છે. ઉપરોક્ત એફઆઈઆરમાં જે નિર્દોષ વ્યક્તિઓના નામ આપવામાં આવેલ છે તે એક રાજકીય દબાણના કારણે એફઆઈઆરમાં નાખવામાં આવેલ છે અને ઉપરોક્ત ર૭ નિર્દોષ વ્યક્તિઓના મોબાઈલ લોકેશન અને તેમની હાજરી અલગ-અલગ જગ્યાએ ઉપલબ્ધ છે તેમજ તેમાં અમુક વ્યક્તિઓ તે સમયે જિલ્લા બહાર હતા અને અમુક વ્યક્તિઓ રાપર તાલુકા બહાર હતા અને અમુક માણસો ખેતીનું માહોલ હોતા પોત પોતાના ખેતરે ખેત મજૂરી કરી રહ્યા હતા અને ઉપરોકત ર૭ નામ પૈકી ટગા ગામના સરપંચને પણ રાજકીય રીતે દબાણથી ધરપકડ કરેલ છે. અમુક  વ્યક્તિઓ ડ્રાઈવિંગ તેમજ પોતાનું ગુજરાત ચલાવવા માટે મજૂરી કરતા હોય અને જો તે લોકોને નિર્દોષપણે ૩૦ર કલમમાં ધરપકડ કરી લેવાય તો તેમના પરિવારની કફોડી પરિસ્થિતિ થઈ શકે છે માટે સંપૂર્ણ પ્રકરણની ન્યાયિક તપાસણી કરી અને અમારા આધાર પુરાવાના પણ નિરીક્ષણ કરી વહેલી તકે નિર્દોષોને મુક્ત કરવા વિનંતી છે.