(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૨૨
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોંગ્રેસ ઉપર આડકતરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અગાઉનો સમય એવો હતો કે, લોકોના મનમાં સરકારો પ્રત્યે એવી વૈચારિક માનસિકતા બની ગઈ હતી કે, આનાથી અંગ્રેજો સારા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, આઝાદી પછીની બહુધા સરકારોએ માત્ર સરકાર જ ચલાવી. દેશ ચલાવવા પર ધ્યાન અપાયું નહીં. પરિણામે લોકોની લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા ડગી ગઈ હતી. ગાંધીનગરમાં મહેસૂલમાં ક્રાંતિ કાર્યક્રમમાં સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, આપણે લોકોની એ નબળી માનસિકતા બદલી છે. લોકોને કેન્દ્રસ્થાને રાખી નિર્ણયો ત્વરાએ કર્યા છે. જનહિત દાયિત્વથી સરકારો ચાલવી જોઈએ. સાથોસાથ દેશ પણ વિકાસગતિ તરફ ચાલવો જોઈએ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સમગ્ર મહેસૂલી સેવાઓને ઇઝ ઓફ રેવન્યુ સર્વિસીસના ટેકનોલોજી છત્ર તળે કાર્યરત કરવાના ગૌરવશાળી સમારોહમાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે ટેકનોલોજી સાથે વ્યવસ્થા જોડીને ગુજરાતના મહેસૂલ વિભાગે અશકયને શકય બનાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વહિવટનો મુખ્ય આધાર મહેસૂલ તંત્ર છે. મહેસૂલી પ્રક્રિયા લોકહિત માટે હોય છે. લોકો કાયદાથી ત્રાહિમામ ન થાય પરંતુ કાયદાને માન-સન્માન આપે તેવું સરળીકરણ ટેકનોલોજી યુકત વ્યવસ્થાઓથી લાવવામાં ગુજરાતે દેશનું દિશાદર્શન કર્યુ છે. મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગની જૂની પૂરાણી અને આંટીઘૂંટી વાળી પ્રક્રિયાઓથી નિર્ણયોમાં થતા વિલંબ અંગે માર્મિક શૈલીમાં ટકોર કરતાં કહ્યું કે, વિલંબ તોડીયે તો જ વિકાસ શકય બને છે. વ્યથાને વ્યવસ્થામાં પરિવર્તીત કરવાનું કામ ગુજરાતે પાર પાડયું છે. તેમણે કહ્યું કે, આવા સરળીકરણથી વિકાસની નવી ઊંચાઇઓ સર કરીને લોકશાહી શાસનમાં અમલદારશાહી, લાલફિતાશાહી ખતમ કરી પારદર્શી, નિર્ણાયક અને ત્વરિત-ઝડપી સરકારની પ્રત્યેક માનવીને અનૂભુતિ કરાવવાની આપણી નેમ છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સરકાર લોકોના હિતો માટે, ઇઝ ઓફ લિવીંગ માટે જરૂર જણાયે કાયદાઓમાં સુધારા-કાયદા બદલવા માટે ઓર્ડિનન્સ લાવવા પણ ખૂલ્લા મને તૈયાર છે. રાજ્ય સરકારે ૮ જેટલા જૂના જડ કાયદાઓમાં બદલાવ લાવીને લોકો માટે પારદર્શી અને જવાબદેહ વ્યવસ્થા વિકસાવી છે. તેમણે મહેસૂલી કાયદાઓમાં એનએ ઓનલાઇન, આઇ ઓરા-ર, જમીન રેકોર્ડ ઓનલાઇન, ૭/૧ર ઉતારા ઓનલાઇન જેવી લોકોને સીધી સ્પર્શતી સેવાઓના સરળીકરણને રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ ગણાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસૂલ વિભાગમાં ક્રાંતિકારી નિર્ણયો માટે લેવાયેલ પગલાંઓને આવકારતાં કહ્યું કે, વિશ્વમાં અનેક પ્રકારની ક્રાંતિઓ થઇ છે ત્યારે નાગરિકોને અપાતી સેવાઓને ઝડપી, પારદર્શી અને સરળતાથી પૂરી પાડવા તેમજ જમીનને લગતી સેવાઓ છેવાડાના માનવીઓને પુરી પાડવા માટેની આ ઓનલાઇન સુવિધાઓ ચોક્કસ અસરકારક બનશે. મહેસૂલ વિભાગ એવો વિભાગ છે કે તેની નાગરિકો સહિત સરકારને પણ ખૂબ જ જરૂર પડે છે. તમામ ક્ષત્રોમાં વિકાસ કરવો હોય, પ્રોજેકટનું નિર્માણ કરવું હોય તો મહેસૂલ વિભાગ દ્વારા મંજૂરીઓ મેળવવી પડતી હોય છે ત્યારે મહેસૂલ વિભાગે ટેકનોલોજીના માધ્યમ દ્વારાર્ ૈંઇછ-૨.૦ નું આજે લોન્ચીંગ કર્યું છે, જે ચોક્કસ મહત્વનું સાબિત થશે અને લોકોને ઝડપી સેવાઓ મળતી થશે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ એ સરકારનો મહત્વનો વિભાગ છે. એટલું જ નહીં રાજ્યની આર્થિક વ્યવસ્થાનું પીઠબળ છે ત્યારે તેમાં પારદર્શકતા-ગતિશીલતાને રાજ્ય સરકારે આત્મસાત કર્યા છે. એક સમય હતો કે રાજ્યની મહેસૂલ પ્રક્રિયામાં તુમાર-કચેરી અને અભિપ્રાય શબ્દોની ભરમાર હતી પણ હવે આ શબ્દોને ભૂતકાળ બનાવીને મહેસુલી પ્રક્રિયા અત્યંત સરળ બનાવી છે.