મુસ્લિમોના પ્રતિનિધિત્વનો એકડો નીકળી જાય તેવી અન્યાયી વોર્ડ રચના સામે સખત વાંધો
સુરત, તા.૯
સુરતના અગ્રણી ઐયુબ ગુલામ પટેલે રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરનાં સચિવ મહેશ જોષીને લેખિત રજૂઆત કરી સુરત મનપાના વોર્ડના નવા સિમાંકન સામે વાંધો ઉઠાવી સૂચનો રજૂ કર્યા છે.
જેમાં જણાવ્યું છે કે હાલમાં જે વોર્ડ ફેરરચના કરવામાં આવેલ છે, તે સદંતર બોગસ અને ફક્ત અને ફક્ત વોર્ડ દીઠ નક્કી કરેલ વસ્તીનો ક્રાઈટેરિયા પુર્ણ થાય તે માટે આડેધડ રીતે કરવામાં આવેલ છે. તે જોતા તેમાં કુદરતી સિદ્ધાંતોને ધ્યાને લેવામાં આવેલ હોવાનું જણાતું નથી. તેમાં સામાજિક, ધાર્મિક અને ભૌગોલિક રીતે જોડાયેલા વિસ્તારોને ઈરાદાપૂર્વક છૂટા પાડી દીધેલ હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાઈ આવે છે. છેલ્લા ર૦-રપ વર્ષથી દર પાંચ વર્ષે આવતા આવે મહાનગરપાલિકાના ઈલેક્શન પહેલા કોઈને કોઈ બહાના હેઠળ વોર્ડ ફેરરચના કરાઈ રહી છે અને તેમાં દર વખતે કોઈ એક ચોક્કસ ધર્મના (લઘુમતી મતદારો)ને ટાર્ગેટ કરી મહાનગરપાલિકામાં પ્રતિનિધિત્વ મેળવવા તેઓને લોઢાના ચણા ચાવવા પડે તે રીતે સીમાંકનની કામગીરી કરવામાં આવેલ, તેમ છતાં જેમ તેમ કરીને લોક લાગણીને કારણે મુસ્લિમ ધર્મના વ્યક્તિને પ્રતિનિધિત્વ મળતું આવેલ. પરંતુ, આ વખતે તો મુસ્લિમોનો પ્રતિનિધિત્વમાંથી એકડો જ નીકળી જાય તે રીતની વોર્ડ રચના કરવામાં આવેલ છે, જે સદંતર અન્યાયી છે. હાલમાં કરાયેલ વોર્ડ રચનામાં સેન્ટ્રલ ઝોન કે જે તળ સુરતીઓનો વસવાટ કરતા વિસ્તાર હોય તેમાં દરેક ધર્મ, સમાજના લોકો જન્મોજન્મથી સાથે હળીમળીને રહેતા હોય, એકબીજાના ધાર્મિક તહેવારો પણ ભેગા મળીને ઉજવતા હોય, તેઓને પણ ઈરાદાપૂર્વક ચાર અલગ-અલગ વોર્ડમાં વહેંચી વોર્ડ રચના કરી સેન્ટ્રલ ઝોનમાં વસતા તળ સુરતીઓને પણ અન્યાય કરવામાં આવેલ છે. કેટલાય વોર્ડને સુરત મહાનગરપાલલિકાના અલગ-અલગ ઝોનમાં અને વોર્ડમાં સમાવેશ થતા સુરત મહાનગરપાલિકામાં વહીવટમાં પણ અગવડતા ઊભી થાય તેમ છે. તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ પોતાના વિસ્તારના લોકોના પ્રશ્નો લઈ બે અલગ-અલગ ઝોન કે કંઈ કેટલીયે અલગ-અલગ વોર્ડ ઓફિસોમાં જવું પડશે, જેને કારણે ચૂંટાયેલા કોર્પોરેટરો અને પ્રજા તેમજ અધિકારીઓ બધા જ ખૂબ જ મુશ્કેલીઓમાં સપડાશે. હાલમાં કરવામાં આવેલ વોર્ડ ફેરરચનામાં સરકારશ્રીના સિદ્ધાંતો કે જેમાં મોટા રસ્તા, નદી-નાળા, રેલવે લાઈન ઓળંગવી નહી તેને પણ ધ્યાનમાં રાખેલ હોવાનું જણાતું નથી. તળ સુરત કે જેનો સુરત મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન ઉત્તર અને દક્ષિણ વિભાગ બનાવી વહીવટ કરવામાં આવે છે, તેને જે ચાર અલગ-અલગ વોર્ડમાં વહેંચી ટુકડા કરવામાં આવેલ છે, તેને બદલે તળ સુરતના સેન્ટ્રલ ઝોનમાં બે વોર્ડ એટલે કે એક વોર્ડ રાજમાર્ગની ઉત્તરે આવેલ વિસ્તારોનો અને બીજો વોર્ડ રાજમાર્ગની દક્ષિણે આવેલ વિસ્તારોનો બનાવવામાં આવે તો તળ સુરતીઓને ન્યાય મળશે. હાલમાં બનાવવામાં આવેલ ઈલેક્શન વોર્ડ નં.૮ (ડભોલી-સીંગણપોર) વોર્ડને પણ સેન્ટ્રલ ઝોનના વિસ્તારો સાથે જોડવામાં આવેલ છે, તેને બદલે વેડ દરવાજાથી ઉત્તરે વેડરોડ થઈ વેડ ગામ નદી કિનારા સુધી ત્યાંથી પશ્ચિમે નદી કિનારે થઈ જિલ્લાની બ્રિજની નીચે રીંગરોડ પર પૂર્વ દિશામાં થઈ વેડ દરવાજા સુધીનો કરવા જોગ છે. કતારગામ ઝોનના ઈલેક્શન વોર્ડ નં.૧ર સાથે જોડવામાં આવેલ વિસ્તારો જેવા કે, વેડ દરવાજાથી ઉત્તરે કુબેરપાર્ક, ધ્રુવતારક સોસાયટી થઈ પૂર્વ તરફ કતારગામ મેઈનરોડ સુધી અને ત્યાંથી દક્ષિણે કતારગામ દરવાજા સુધીનો વિસ્તાર ઉમેરવામાં આવેલ છે, તેને વેડ દરવાજાથી વેડ ગામ નદી કિનારા સુધી અને ત્યાંથી પૂર્વ તરફ જતા કતારગામ સુધી અને ત્યાંથી ઉત્તરે કતારગામ દરવાજા સુધી અને ત્યાંથી પશ્ચિમે વેડ દરવાજા સુધી એ રીતેનો બ્લોક બનાવી બે મોટા રસ્તાઓની વચ્ચેના વિસ્તારને એક અલગ બ્લોક બનાવી વોર્ડ રચના કરવી જોઈએ. આખા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ફક્ત અને ફક્ત કોંગ્રેસ પક્ષ અને મુસ્લિમોને પ્રતિનિધિત્વ મેળવવામાં ગંભીર નુકસાન પહોંચાડવાના હેતુસર આરીયાવાઢ ગમે તેમ લીટા દોરી જે વોર્ડ ફેરરચના કરવામાં આવેલ છે, તે કુદરતી નિયમો કે ભારતીય બંધારણની બિલકુલ વિરૂદ્ધ કરવામાં આવેલ હોવાનું જણાય છે.
ઉપરોક્ત તમામ હકીકતોને ધ્યાને લઈ ફરી વિચારણા કરી-કરાવી કુદરતી સિદ્ધાંતોને ધ્યાને લઈ લોકોને સામાજિક, ધાર્મિક તેમજ ભૌગોલિક રીતે યોગ્ય વાતાવરણ પોતાના વોર્ડમાં મળી રહે તે મુજબ ફરીવાર સુધારો કરી વોર્ડ ફેરરચના કરવા સુચન કરવામાં આવે છે, જે ધ્યાને લેવા વિનંતી.
Recent Comments