• હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોની અછત અને બચાવ પ્રક્રિયામાં યોગ્ય માપદંડોનું પાલન કરવામાં ન આવ્યું હોવાની બાબત એ વાતનો પૂરાવો છે કે, હોસ્પિટલનું ઉચ્ચ તંત્ર આ દુર્ઘટના માટે અપરાધિક રીતે જવાબદાર અને ગુનેગાર છે • હોસ્પિટલ તંત્ર દ્વારા ઈરાદાપૂર્વક ફાયર સેફ્ટીના નિયમો અને માપદંડોની અવગણના કરવામાં આવી હતી ત્યારે આ કેસમાં કલમ ૩૦૪ હેઠળ ગુનો નોંધવાની તીવ્ર બનતી માંગ

અમદાવાદ, તા.૧૬
આઠ માનવ જિંદગીઓનો ભોગ લેનાર શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડને એક માસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આ કેસની તપાસમાં ખાસ કોઈ પ્રગતિ થઈ નથી ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની તપાસ સીબીઆઈ પાસે કરાવવામાં આવે તેવી પીડિત પરિવારોની માંગના સમર્થનમાં ૫૫૦ લોકોએ હસ્તાક્ષર કર્યા હતા. શોર્ટ-સર્કિટના કારણે આગ લાગતાં એ વાત પુરવાર થઈ હતી કે, હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના ગુણવત્તાસભર સાધનો અને વ્યવસ્થાની ઉણપ છે. આગ લાગી ત્યારે હોસ્પિટલ દ્વારા બચાવની કોઈ માનક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય તેવા કોઈ પુરાવા પણ પ્રાપ્ત થયા નથી ત્યારે એ વાતને બળ મળે છે કે, આઠ માનવોને ભૂંજી નાખનારી આ ઘટનામાં હોસ્પિટલની ગુનાહિત જવાબદારી બને છે. પીડિત પરિવારોના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં ચાર સીસીટીવી કેમેરા હતા જેમાંથી ત્રણ કેમેરા કામ કરી રહ્યા ન હતા. જ્યારે જે એક કેમેરો ચાલુ હતો તેમાં થતું રેકોર્ડિંગ પણ પડદા દ્વારા અવરોધવામાં આવ્યુંં હતું. એટલું જ નહીં હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના ઉપકરણોની પણ અછત હોવા સાથે હોસ્પિટલ સ્ટાફને પણ આગની ઘટના સમયે શું કરવું તેની તાલીમ આપવામાં આવી ન હતી. આગ એટલી ભીષણ હતી કે, દર્દીઓ શરીરે ૮૦ ટકા જેટલા દાઝી ગયા હતા. જ્યારે દર્દીઓના મોબાઈલ ફોનને આંચ પણ આવી ન હતી, જે વાત કોયડો બનવા સાથે શંકા જન્માવનારી છે. કેટલાક ફોન તો ઘટના બાદ પણ ચાલુ હતા. ફોનની આ શંકાસ્પદ કડી એ વાત તરફ ઈશારો કરે છે કે, કદાચ આઈસીયુમાંથી ફોન એટલા માટે ખસેડી લેવામાં આવ્યા હશે કે, આગ લાગવા સમયે દર્દીઓ બચાવ માટે કોઈને ફોન ન કરી શકે અથવા કોઈક ફોન ચોરી ગયું હશે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોની અછત અને બચાવ પ્રક્રિયામાં યોગ્ય માપદંડોનું પાલન કરવામાં ન આવ્યું હોવાની બાબત એ વાતનો પુરાવો છે કે, હોસ્પિટલનું ઉચ્ચ તંત્ર આ દુર્ઘટના માટે અપરાધિક રીતે જવાબદાર અને ગુનેગાર છે. છતાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા હોસ્પિટલના ટ્રસ્ટી-વહીવટકર્તાને તુરંત જામીન મળી ગયા હતા અને આઈસીયુમાં ફરજ બજાવતા બીજા વર્ગના ચાર કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી કેમ કે, દર્દીઓની જવાબદારી તેમના સિરે હતી. આ વાત ચોક્કસપણે એવું દર્શાવે છે કે, આ અગ્નિકાંડમાં હોસ્પિટલના મેનેજમેન્ટને બચાવવામાં આવે છે અને ઘટના માટે નીચેના સ્તરના કર્મચારીઓને જવાબદાર ઠેરવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ગત દસ ઓગસ્ટના રોજ અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે આ ઘટના અંગે ૧૧૧૯૧૦૩૬૨૦૦૬૫૪ નંબરની એફઆઈઆર નોંધવામાં આવી હતી. ભારતીય બંધારણની કલમ ૩૦૪એ (હત્યાના ઈરાદાથી નહીં પણ બેજવાદારીપૂર્ણ વલણના કારણે મોત), કલમ ૩૩૬ (માનવ જિંદગીઓને જોખમમાં મૂકવા માટે અવિચારી અને બેજવાબદારીભર્યું કૃત્ય), કલમ ૩૩૭ (બેદરકારી દ્વારા કોઈ વ્યક્તિને હાનિ પહોંચાડવી અથવા અવિચારી રીતે માનવ જિંદગીઓને જોખમમાં મૂકવાનું કામ કરવું અને કલમ ૩૩૮ (માનવ જીવનને જોખમમાં મૂકે તેવા કૃત્ય દ્વારા ગંભીર ઈજા પહોંચાડવી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં આઠ દર્દીઓનો ભોગ લેનારી આગ જે રીતે લાગી તે એ વાત દર્શાવે છે કે, હોસ્પિટલ તંત્ર દ્વારા ઈરાદાપૂર્વક ફાયર સેફ્ટીના નિયમો અને માપદંડોની અવગણના કરવામાં આવી હતી ત્યારે આ કેસમાં આકરી કલમો હેઠળ ગુનો નોંધવો જોઈએ, એવી લોક લાગણી અને પીડિતોની માંગ છે. પીડિત પરિવારોનું માનવુું છે કે, આ કેસમાં કલમ ૩૦૪ હેઠળ કાર્યવાહી થવી જોઈએ અને આ કેસમાં પોલીસે આ કલમ લાગુ નહીં કરતાં તેમના ઈરાદા સામે ગંભીર પ્રશ્નો પેદા થાય છે કે, શું આ કેસમાં પોલીસ તટસ્થ અને યોગ્ય તપાસ કરશે કે નહીં ? હોસ્પિટલ મેનેજમેન્ટને આ ગુનામાંથી બચાવવા કોઈ ષડ્યંત્ર રચાયું હોવાનું લાગી રહ્યું છે. આ તમામ સંજોગોના પગલે ૫૫૦ લોકોએ જણાવ્યું હતું કે, અમે પીડિત પરિવારોની પડખે ઊભા છે અને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની પીડિત પરિવારોની માંગને સમર્થન આપીએ છીએ. સીબીઆઈ તપાસની માંગનું સમર્થન કરનારા ૫૦૦થી વધુ લોકોમાં આભા શાહ, આકાશ અસ્થાના, અનુપ ગોલાણી, અરશદ નરમાવાલા, દર્શિત વી.શેઠ, સેડ્રિક પ્રકાશ, ભાર્ગવ ઓઝા, જ્હોન દયાલ, કાઈઝર ખાનપુરવાલા, નીતિન આર.શાહ, શ્રીધર સુધીરભાઈ મનાકીવાલા, યોગેશ ઠક્કર, એલેક્સ વિલિયમ, અજીન કે.થોમસ સહિતના લોકોનો સમાવેશ થાય છે.