નવીદિલ્હી,તા.૩
પ્રતિષ્ઠિત સુલ્તાન અજલાન શાહ કપની મેચમાં ભારતની આર્જેન્ટીના સામે આજે ૨-૩થી હાર થઇ ગઇ હતી. છઠ્ઠા ક્રમાંકિત ભારતીય ટીમની વિશ્વની બીજા ક્રમાંકિત ટીમ આર્જેન્ટીના સામે હાર થયા બાદ ચાહકોમાં નિરાશા ફેલાઈ હતી. આર્જેન્ટીના તરફથી ગોન્ઝાલો પિલેટે શાનદાર હેટ્રીક ફટકારી હતી. જ્યારે ભારત તરફથી અમિત રોહિતદાસ તરફથી બે ગોલ ફટકારવામાં આવ્યા હતા. તમામ પાંચેય ગોલ પેનલ્ટી કોર્નર મારફતે કરવામાં આવ્યા હતા. આર્જેન્ટીનાએ તેને મળેલા સાત પેનલ્ટી કોર્નર પૈકી ત્રણને ગોલમાં ફેરવી નાંખવામાં સફળતા મેળવી હતી જ્યારે ભારતને ચાર પેનલ્ટી કોર્નર મળ્યા હતા જે પૈકી બે ગોલ કરવામાં આવ્યા હતા. પ્રથમ ક્વાર્ટરના પહેલા જ પિલેટે આર્જેન્ટીનાને મજબૂત સ્થિતિમાં મુકી દીધું છે.
ભારત હવે આવતીકાલે ઇંગ્લેન્ડ સામે રમશે. ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ અને મલેશિયાની ટીમ પણ આમા ભાગ લઇ રહી છે. આકાશદીપ, એસવી સુનિલ, મનદીપસિંહ, મનપ્રિતસિંહની ગેરહાજરીમાં યુવા ભારતીય ટીમ આમા રમી રહી છે.