(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૬,
ગુજરાતી ફિલ્મનાં પ્રખ્યાત કોમેડીયન અને ૧૦૦ થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર કોમેડીયન કેસ્ટો ઇકબાલ અને તેના મિત્રનું શુટીંગ પતાવીને પરત વડોદરા ફરતી વખતે વડોદરા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. કેસ્ટો ઇકબાલનાં મોતથી તેના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
પ્રાપ્ત થતી વિગત અનુસાર ડભોઇનાં સુંદરકૂવા ગામનાં મુળ રહેવાસી ૬૧ વર્ષીય ઇકબાલ અહેમદ મન્સુરી ગુજરાતી ફિલ્મોમાં કોમેડીયન તરીકે કામ કરતાં હતા અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેસ્ટો ઇકબાલનાં નામે પ્રખ્યાત હતા. ગઇકાલે રાત્રે તેઓ પોતાના મિત્ર કાદર ગુલામરસુલ મન્સુરી (ઉ.વ.૫૧, રહે. શ્રીએપાર્ટમેન્ટ, હરણી રોડ, વડોદરા) સાથે નિમેટા પાસે પારસીપુરા ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં ગયા હતા. જ્યાં તેમની ફિલ્મનું શુટીંગ ચાલતું હતું. મોડીરાત્રે શુટીંગ પુરુ કરી બંને મિત્રો ટુ વ્હીલર પર પરત વડોદરા તરફ આવી રહ્યાં હતા. તે સમયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૮ પર વાઘોડિયા બ્રિજથી કપુરાઇ બ્રિજ તરફ જવાનાં રસ્તા પર તેમના ટુ વ્હીલરને અજાણ્યા વાહને ટક્કર મારતા બંને મિત્રો રોડ પર પટકાયા હતા. ગંભીર રીતે ઇજાઓ પામેલા કોમેડીયન કેસ્ટો ઇકબાલ તેમજ તેમના મિત્ર કાદર મન્સુરીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતા પાણીગેટ પોલીસ તેમજ મૃતકનાં પરિવારજનો તાત્કાલીક સ્થળ પર દોડી આવ્યા હતા. કાદરભાઇના પુત્ર શાહરૂખ ઉર્ફે શેરૂ મન્સુરીએ અજાણ્યા વાહન ચાલક સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. કેસ્ટો ઇકબાલનાં મોતથી તેના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.