(એજન્સી) તા.ર૭
અઝરબૈજાનની સંસદે ગુરૂવારે ફ્રેન્ચ સેનેટ દ્વારા નાગોર્નો-કારાબાખને “પ્રજાસત્તાક” તરીકે માન્યતા આપવાની વિનંતીને વખોડી કાઢી હતી. સંસદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ફ્રેન્ચ સેનેટનું આ પગલું યુરોપિયન યુનિયન (ઈેં)ની વિદેશ અને સુરક્ષાનીતિ અંગેની વૈશ્વિક વ્યૂહરચનાની અંતર્ગત ફ્રાન્સ દ્વારા કરવામાં આવેલી પ્રતિબદ્ધતામાં બંધ બેસતુ નથી, જેમાં ઈેં કાઉન્સિલ દ્વારા ર૦૧૬થી સતત અપનાવવામાં આવેલી પ્રાદેશિક અખંડિતતાના દસ્તાવેજો સામેલ છે.” નિવેદનમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, આવા પ્રકારના પ્રજાસત્તાકને કોઈ પણ દેશ દ્વારા માન્યતા અપાઈ નથી.“આ ઠરાવની જોગવાઈઓના અમલીકરણથી ઈેં અને તેના પૂર્વીય ભાગીદારીના કાર્યક્રમને કારમો ફટકો પડવાની સંભાવના છે.” સંસદે રેખાંકિત કર્યું હતું કે, લગભગ ત્રણ દાયકા સુધી ચાલેલા આર્મેનિયા-અઝરબૈજાનના નાગોર્નો-કારાબાખ સંઘર્ષનો ઉકેલ ન આવવાના મુખ્ય કારણોમાંથી એક એ છે કે, શાંતિ મંત્રણામાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીની ભૂમિકા ભજવનારા દેશો, ખાસ કરીને ફ્રાન્સે આક્રમણ કર્તાઓને તેમના નામ લઈને સંબોધિત કર્યા ન હતા અને કબજે કરનાર અને કબજે થનાર વચ્ચે ભેદ પાડ્યો ન હતો. ફ્રાન્સે, રશિયા અને અમેરિકાની સહ-અધ્યક્ષતામાં યુરોપમાં સુરક્ષા અને સહકાર માટેનું સંગઠન (ઓએસસીઈ) મિંસ્ક ગ્રુપની રચના ૧૯૯રમાં નાગોર્નો-કારાબાખ સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે કરવામાં આવી હતી, પણ કોઈ ફાયદો થયો ન હતો.