(એજન્સી) બાકુ, તા.૧૭
અઝરબૈઝાને શનિવારે આરોપ લગાવ્યો હતો કે, આર્મેનિયા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ૧૩ નાગરિકોના મોત થયા હતા અને ૫૦ લોકોને ઈજા પહોંચી હતી. એક નિવેદનમાં જણાવાયું હતું કે, દેશના બીજા સૌથી મોટા શહેર ખાતે આ ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ આર્મેનિયાના રક્ષા મંત્રાલયે મિસાઈલ હુમલો કર્યાના આરોપોને ફગાવી દીધા હતા. પણ નાગોર્નો-કારાબખામાં અલગતાવાદી તંત્રોએ ગાંજા શહેરમાં સૈનિક સુવિધાઓને વાજબી ઠેરવતા કથિત દાવાને નકારી કાઢયા હતા. જો કે તેમણે હુમલાની જવાબદારી લીધી નથી. અઝરબૈઝાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોવિયેત બનાવટની મિસાઈલે ગાંજામાં લગભગ ૨૦ જેટલી રહેણાંક ઈમારતો તોડી પાડી હતી અથવા તેને નુકશાન પહોંચાડયું હતું. ટી.વી. પર રાષ્ટ્રજોગ નિવેદનમાં અઝરબૈઝાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ એલિયેવે મિસાઈલ હુમલાને યુદ્ધ અપરાધ ગણાવ્યો હતો. આ મિસાઈલ હુમલા બાદ પીડિતોને શોધવા અને હુમલામાં બચી ગયેલા લોકોને યોગ્ય ઉપચાર ઉપલબ્ધ કરાવવા રાહત કાર્ય હાથ ધર્યું હતું. અઝરબૈઝાનના પ્રમુખે જણાવ્યુંં હતું કે, આર્મેનિયાની નેતાગીરીને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે. અઝરબૈઝાન આ હુમલાનો જવાબ આપશે. અને તેઓ યુદ્ધ મેદાનમાં અસાધારણ લડત આપશે. દરમ્યાન અઝરબૈઝાન અને આર્મેનિયાએ નાગરિકો અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવાના અહેવાલો ફગાવી દીધા હતા. આ દેશોએ એવા આરોપ લગાવ્યા હતા કે, રહેણાંક વિસ્તારો પર હુમલા કરવામાં આવી રહ્યાં છે. બન્ને દેશો વચ્ચે ગત ૨૭મી સપ્ટેમ્બરથી ઘર્ષણની શરૂઆત થઈ હતી. બન્ને દેશો દ્વારા એકબીજા પર ભીષણ હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં રોકેટ અને ડ્રોન હુમલાનો સમાવેેશ થાય છે. જેમાં સેંકડો લોકો માર્યા ગયા છે અને હજારો લોકોને ઈજા થઈ છે.