(એજન્સી) તા.૧પ
અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે મસ્જિદના મિનારા પરથી લાઉડ સ્પીકર વગર અઝાન આપવામાં આવે. હાઈકોર્ટની એક બેંચે ચુકાદો આપ્યો હતો કે, અમે આ અભિપ્રાય ધરાવીએ છીએ કે અઝાન ઈસ્લામનો જરૂરી અને અભિન્ન હિસ્સો છે પરંતુ લાઉડ સ્પીકર વડે અઝાન આપવી ઈસ્લામનો હિસ્સો નથી. આથી મસ્જિદોમાં મોઅઝઝીન લાઉડ સ્પીકર વગર અઝાન આપે. જો કે, કોર્ટે આ પણ કહ્યું હતું કે, લાઉડ સ્પીકર વગર આપવામાં આવતી અઝાનને કોરોના વાયરસ મહામારી અંગે સરકારે બહાર પાડેલી માર્ગદર્શિકાનો ભંગ ગણી અવરોધી ન શકાય. કોર્ટે આ પણ કહ્યું હતું કે, કાયદા મુજબ જિલ્લા વહીવટીતંત્રની આગોતરી પરવાનગી વગર કોઈપણ વ્યક્તિ અઝાન માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરી શકે. પરંતુ કોર્ટે રાજ્ય સરકારની આ દલીલને ફગાવી દીધી હતી કે માનવ અવાજમાં આપવામાં આવેલી અઝાન કાયદાની કોઈપણ જોગવાઈનો ભંગ કરે છે. બેંચે કહ્યું હતું કે, સરકાર આ સમજાવી શકી નથી કે માત્ર માનવ અવાજમાં આપવામાં આવેલી અઝાન કાયદાની કોઈ જોગવાઈનો ભંગ કરે છે અથવા તો કોવિડ-૧૯ સંબંધિત કોઈ માર્ગદર્શિકાનો ભંગ કરે છે. જો કે, અલ્હાબાદ હાઈકોર્ટની બેંચે આ વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો કે, અઝાન માટે લાઉડ સ્પીકરના ઉપયોગની પરવાનગી માટે અરજદારો જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરી શકે છે. બેંચે કહ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્રની મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ અઝાન અથવા તો કોઈપણ અન્ય ઉદ્દેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરી શકે. જસ્ટિસ શશીકાંત ગુપ્તા અને જસ્ટિસ અજીતકુમારની ખંડપીઠે ગાઝીપુરથી બસપાના સાંસદ અફઝલ અન્સારીએ દાખલ કરેલી અરજી ફગાવી દીધી હતી જેમાં ગાઝીપુરની મસ્જિદોમાં અઝાન માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને દૂર કરવાની માગણી કરવામાં આવી હતી.