(એજન્સી) ઇટાનગર, તા. ૨૫
બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ બાદ મુખ્યમંત્રી બની ગયા હોવા છતાં સાથી પક્ષ ભાજપના જુનિયર બની ચુકેલા નીતિશ કુમારને તેના જ ગઠબંધન સાથીએ અરૂણાચલપ્રદેશમાં ભારે આંચકો આપ્યો છે. અહીં જેડીયુના સાતમાંછી છ ધારાસભ્યો અચાનક ભાજપમાં જોડાઇ જતાં નીતિશ કુમાર માટે વધુ શમરજનક ઘટના બની છે. અરૂણાચલપ્રદેશમાં હવે જેડીયુ પાસે માત્ર એક ધારાસભ્ય બચ્યો છે જ્યારે ૬૦ સભ્યોની વિધાનસભામાં ભાજપ ગઠબંધનનના ૪૮ ધારાસભ્યો થઇ ગયા છે. આમાંથી ત્રણ ધારાસભ્યોને એકમહિના પહેલાં રાજ્યના પાર્ટી વડા સાથે સંપર્ક વિના અન્ય પક્ષ સાથે વાતચીત કરવા માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા અને નોટિસ ફટકારાઇ હતી. ભાજપના રાજ્ય પ્રમુખ બિયુરામ વાઘેએ કહ્યું હતું કે, આ નવું ઘટનાક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી પેમા ખાંડુના નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવે છે.
આ દરમિયાન નીતિશ કુમારના નજીકના લોકો ભાજપ દ્વારા કરાયેલા વિશ્વાસઘાતથી ભારે દુઃખી છે અને આ અઠવાડિયાના અંતમાં જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મુદ્દો ઉઠાવી શકે છે. જેડીયુ અને ભાજપ અરૂણાચલ પ્રદેશમાં ગઠબંધનમાં નથી પરંતુ નીતિશની પાર્ટી વિપક્ષમાં હોવા છતાં ભાજપની આગેવાનીવાળી સરકારને સમર્થન કરતી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચુંંટણીમાં જ જેડીયુએ પ્રથમવાર ભાજપ પછી સૌથી વધુ સાત બેઠક જીતી હતી અને ભાજપે ૪૧ બેઠકો જીતી હતી.
ઉલ્લેખનીય છે કે બિહારમાં જેડીયૂ અને બીજેપી સહયોગી છે અને અન્ય સહયોગીઓની સાથે મળીને તાજેતરમાં ત્યાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધાવી હતી. અરૂણાચલમાં પણ પંચાયત અને મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો આવવાના છે. આવામાં આ ઉલટફેર ઘણો જ મહત્વનો મનાઈ રહ્યો છે. બુલેટિન અનુસાર, રમગોંગ વિધાનસભા ક્ષેત્રના તાલેમ તબોહ, ચાયાંગ્તાઓના હેયંગ મંગ્ફી, તાલીના જિક્કે તાકો, કલાત્કંગના દોરજી વાંગ્દી ખર્મા, બોમડિલના ડોંગરૂ સિયનગ્ઝૂ અને મારિયાંગ-ગેકુ મત વિસ્તારના કાંગગોંગ ટાકૂ ભાજપમાં સામેલ થઈ ગયા છે. જેડીયૂએ ૨૬ નવેમ્બરના સિયનગ્ઝૂ, ખર્મા અને ટાકૂને ‘પાર્ટી વિરોધી’ ગતિવિધિઓ માટે કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી હતી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ જેડીયૂના ૬ ધારાસભ્યોએ આ પહેલા પાર્ટીના વરિષ્ઠ સભ્યોને કથિત રીતે તાલીમ તબોહને વિધાયક દળના નવા નેતા પસંદ કરી લેવામાં આવ્યા હતા. પીપીએ ધારાસભ્યને પણ ક્ષેત્રીય પાર્ટીએ આ મહિનાની શરૂઆતમાં સસ્પેન્ડ કરી દીધા હતા. અરૂણાચલ પ્રદેશના પ્રદેશ ભાજપા અધ્યક્ષ બીઆર વાઘેએ કહ્યું કે, “અમે પાર્ટીમાં સામેલ થવાના તેમના પત્રોને સ્વીકારી લીધા છે.” ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં નીતિશ કુમારની જેડીયૂએ ૧૫ સીટો પર ચૂંટણી લડી હતી અને ૭ સીટો પર જીત નોંધાવીને તમામ રાજકીય પંડિતોને ચોંકાવી દીધા હતા. બીજેપી (૪૧) બાદ જેડીયૂ અરૂણાચલમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ હતી. વર્તમાન રાજકીય ઉલટફેર બાદ ૬૦ સદસ્યીય વિધાનસભામાં અરૂણાચલમાં બીજેપીના ૪૮ ધારાસભ્યો થઈ ગયા છે. તો જેડીયૂની પાસે હવે ફક્ત એક જ ધારાસભ્ય બચ્યો છે. કૉંગ્રેસ અને એનસીપી પાસે ૪-૪ ધારાસભ્યો છે.