પાલનપુર, તા.ર૮
બનાસકાંઠાના વડગામ, અમીરગઢ, દિયોદર, વાવ, સુઈગામ, શિહોરી અને દાંતીવાડા તાલુકો મળી અડધા જિલ્લામાં ફાયર ફાઈટરની સુવિધા નથી. જ્યાં છે ત્યાં તાલીમ પામેલો સ્ટાફ નથી. ડીસામાં ફાયરના વાહનો ખખડી ગયા હોવા છતાં નવા વાહનો ફાળવાતા નથી.
ડીસા પાલિકાના ફાયર વિભાગ પાસે ૭નો સ્ટાફ છે. સરકાર દ્વારા ૨૦૦૬માં ૩ ફાયર ફાયટરો આપવામાં આવ્યા છે. જોકે આ સાધનો જુના થઈ ગયા હોવાથી અનેક વાર સ્ટાફને મુશ્કેલી વર્તાઈ રહી છે. અંબાજીમાં એક ફાયર ફાઈટરની વ્યવસ્થા છે. દિયોદર તાલુકામાં ફાયર ફાઈટરની કોઈ પણ સુવિધા નથી. આગ લાગવાનો આકસ્મિક બનાવ બને ત્યારે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા પાણીના ટેન્કરો અને આસપાસમાંથી પાણીનો છંટકાવ કરી આગને બુઝાવવામાં આવે છે. અને ૬૦ કિલોમીટરનાના અંતરે આવેલા ડીસા નગરપાલિકાના ફાયર બ્રિગેડને આગના સમયે બોલાવવામાં આવે છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે એક પણ ફાયર ફાઇટર નથી. શિહોરીમાં તમામ સરકારી ઓફિસો આવેલી છે. છતાં કોઈ સુવિધા નથી. વાવ વિસ્તારમાં કોઈ સુવિધા નથી આગ લાગે ત્યારે થરાદ નગરપાલિકાનું ફાયર ફાઇટર આવે છે. દાંતીવાડામાં ફાયર ફાઈટર નથી. તાલુકાના ૬૦ ગામડાઓમાં તેમજ મહત્વની સરદાર કૃષિ યુનિવર્સિટી અને બી.એસ.એફ.ને પણ પાલનપુર અને ડીસાના ફાયર ફાઇટર પર નિર્ભર રહેવું પડે છે. ફાયર ફાઇટરના અભાવે સુઇગામ તાલુકામાં લોકોને પરેશાન થવું પડે છે, જ્યારે કોઈ ગામમાં કોઈ સ્થળે આગ લાગે ત્યારે આગ ઓલવવા માટે થરાદકે ભાભરથી ફાયર ફાઇટર મંગાવવું પડે છે, ૪૫ થી ૫૦ કિ.મી.દૂરથી ફાયર ફાઇટર આવે તે પહેલાં આગના સ્થળે બધું જ બળીને ખાક થઈ જાય છે, થોડા સમય પહેલાં બેણપ ગૌશાળા, ગોલપ ગામમાં, ચાળામાં જીરૂંના ઢગલામાં તેમજ સુઇગામ ખાતે આગમાં એક જીવતી ભેંસ બળી ને ભડથું થઈ ગઈ હતી. ઉપરાંત અન્ય જગ્યાએ પણ નાની મોટી આગની ઘટનાઓ બની છે,જ્યાં દરેક જગ્યાએ આગના સ્થળે મોટું નુકસાન થયું છે.
ડીસામાં સીએનજી પંપના સંચાલકોને સૂચના અપાઈ
ડીસામાં પ્રાન્ત અધિકારી એચ. એમ. પટેલે સી.એન.જી. પંપના સંચાલકોને પેસેન્જર વાહનો જયારે રીફીલીંગ માટે આવે ત્યારે શું કાળજી રાખવી તે અંગે સૂચના અપાઈ હતી. વાહન માલિક ચાલકે દર ત્રણ વર્ષે ટેન્કનું ટેસ્ટીંગ કરાવવાનું હોય છે તેમજ તે અંગે સર્ટિફીકેટ પણ આપવામાં આવે છે. તેની ચકાસણી કરીને જ રીફીલીંગ કરવા, સી.એન.જી. પંપ ઉપર ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવા તાકીદ કરાઈ હતી.
૧૭૪૨ મિલ્કતોનું ચેકીંગ કરાયું, ૪૪ને સીલ તથા ૮૩૫ને નોટિસ
ફાયર સેફટી મામલે સમગ્ર જિલ્લામાં આવેલી હોટલ, ગેસ્ટ હાઉસો, રેસ્ટોરન્ટ, સ્કૂલો, ટયુશન કલાસીસ, હોસ્પિટલો, બસ સ્ટેન્ડો, શોપીંગ સેન્ટરો, થિયેટર, પેટ્રોલ પમ્પ, જીમખાના તેમજ સરકારી અને ખાનગી બિલ્ડીંગોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ ૧૭૪૨ મિલ્કતોની ચકાસણી કરવામાં આવી છે. ફાયર સેફટી અંગે ત્રુટીઓ જણાતાં ૪૪ મિલ્કતોને સીલ કરવામાં આવી હતી તેમજ ૮૩૫ મિલ્કતોને નોટીસો આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાલનપુરમાં ફાયરના વાહનો પર ટ્રેનિંગ વિનાનો સ્ટાફ
પાલનપુર શહેર સહિત સમગ્ર તાલુકાને સંભાળવા ફક્ત ૩ ફાયરો જ ફાળવાયા છે જ્યારે ફાયરમાં ફરજ બજાવતા કર્મીઓ કોઈ પણ જાતની તાલીમ વિનાના છે. જ્યારે શહેરની ગીચતા ધરાવતી ગલીઓમાં જ્યાં ફાયર ન જઇ શકે તેવી જગ્યાએ પહોંચવા સરકાર દ્વારા ફાયરના સાધનોથી સજ્જ બે બુલેટ બાઈક સોંપાયા હતા.પરંતુ મેન્ટેનન્સના અભાવે બુલેટ બાઇકો ફાયર સ્ટેશનના એક ખૂણામાં પડ્યા રહ્યા છે.