(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૦
અડાજણ હરિચંપાની વાડી પાસે રહેતા યુવકે છોકરાની ફી તેમજ ગાડીના હપ્તાના પૈસાની અગવડતાને લઈને ગઈકાલે બપોરે ઘરમાં છતના લાકડાના મોભ સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
અડાજણ પોલીસના જણાવ્યા મુજબ અડાજણ હરિચંપા વાડીની સામે મહાદેવનગર કલોનીમાં રહેતા ઘનસુખ રવજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૫) હોન્ડાના શો રૂમમાં નોકરી કરી પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનનું ભરણપોષણ કરતા હતા. ઘનસુખભાઈની પત્ની પણ ઘરકામ કરે છે. દરમિયાન ઘનસુખભાઈ ગઈકાલે બપોરે નોકરી પરથી ઘરે જમવા માટે આવ્યા હતા ત્યારબાદ ઘરે છતના લાકડાના મોભ સાથે ઓઢણી બાંધી ફાંસોખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે અડાજણ પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઘનસુખભાઈની લાશને નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી પીએમ કરાવ્યું હતું.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ઘનસુખભાઈના પરિવારોએ તેઓ છેલ્લા કેટલાક સમયથી છોકરાઓની ફી અને ગાડીના હપ્તાના પૈસાને લઈને ચિંતામાં રહેતા હોવાથી તેના કારણે આ પગલુ ભર્યું હોવાની શકયતા જણાવી હતી.