(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
શહેરના અડાજણ વિસ્તારમાં ધોરણ ૧૧ની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો.
મૂળ યુપીના અને અડાજણ વિસ્તારમાં આવેલા નિલકંઠ એપાર્ટમેન્ટમાં લક્ષ્મી ઘનશ્યામ રમેશચંદ્ર ગુપ્તા (ઉ.વ.૧૫) પરિવાર સાથે રહેતી હતી. પિતા કાપડના વેપારી છે. અને લક્ષ્મી પરિવારની મોટી દીકરી હતી. ગત રોજ ૫ઃ૩૦ કલાકે લક્ષ્મીએ રૂમમાં જઈને લોખંડના પાઈપ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. દરમિયાન નાનો ભાઈ તેના રૂમમાં આવતા બહેનને લટકતી હાલતમાં જોઈ હતી. જેથી બૂમાબૂમ કરતા માતા-પિતા દોડી આવ્યા હતા. અને દુપટ્ટાને કાપીને નીચે ઉતારી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. પરિવારે જણાવ્યું હતું કે, લક્ષ્મી બપોરે ૨ વાગ્યા સુધી માતા સાથે ખુશીથી હસતી રમતી હતી. દરમિયાન ટ્યૂશન ગઈ હતી. જ્યાં પણ ૪ઃ૫૫ કલાકે સીસીટીવીમાં દેખાઈ રહી છે. જોકે, ત્યારબાદ ટ્યૂશનમાં અથવા ટ્યૂશનથી ઘરે આવતા લક્ષ્મી સાથે કંઈક થયું હોવું જોઈએ. જેથી લક્ષ્મીએ ઘરે આવી આકરું પગલું ભરી લીધું હતું. પરિવારની મોટી દીકરીના આપઘાતના કારણે પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.