(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૦
સુરત શહેરના અડાજણ ખાતે સંઘવી ટાવરમાં એક દુકાન પર યુવક બેઠો હતો. ત્યારે બાઇક પર આવેલા ચાર થી પાંચ અજાણ્યા શખ્સોએ તેના પર છરા વડે હુમલો કરી માથામાં લોખંડનો પાઇપ વડે ફટકા મારી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના રાંદેર સરદાર બ્રિજની બાજુમાં હરીશનગર સોસાયટીમાં બિરેનકુમાર હરીશભાઇ મોદી અને તેનો પરિવાર રહે છે. બિરેન ઉર્ફે લાલુ માથાભારે તરીકે છાપ ધરાવે છે. તા. ૧૯મી જુલાઇના રોજ બપોરના સમયે બિરેનકુમાર અડાજણ રોડ ગુજરાત ગેસ સર્કલ નજીક સંઘવી ટાવરમાં આવેલી ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝ નામની દુકાને બેઠો હતો. ત્યારે સાહીલ સિંધી તેના ચાર થી પાંચ મિત્રો સાથે બાઇક પર આવ્યો હતો અને બિરેનકુમારને પકડી ઉપરા છાપરી શરીર પર પાંચથી છ રેમ્બો ચાકુના ઘા માર્યા હતા. ત્યારબાદ માથામાં લોખંડના પાઇપથી પ્રહારો કરી શરીર પર સપાટા મારી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરી ભાગી છુટ્યા હતા. આ હુમલા બાદ સંઘવી ટાવરમાં ભયનો માહોલ જાવા મળ્યો હતો. આ ઘટનાની જાણ રાંદેર પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત બિરેનકુમારને અડાજણની બાપ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બિરેનકુમારની પુછપરછ કરતા ૧૫ દિવસ પહેલાં મિત્ર મેહુલે બીજા પાસેથી રૂપિયા લીધા હતા. તે રૂપિયા બાબતે સાહીલ અને મેહુલ વચ્ચે માથાકુટ થઇ હતી. જેમાં સાહીલે મેહુલને તમાચો મારતા બિરેનકુમાર વચ્ચે પડી તેની સાથે ઝઘડો કર્યો હતો. તેની અદાવત રાખી આ હુમલો કરાયો હોવાનું પોલીસને જણાવ્યુ હતુ. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.