(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા ભગવાકર પરિવાર પાસે નાસિકની મોરે ગ્રુપ કંપની સ્કીમમાં રોકાણના નામે રૂા.૧.૪૪ કરોડની ઠગાઇ આચરનાર કંપની સંચાલક સહિત સાત જણા વિરુધ્ધ અડાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અડાજણ ગુજરાત ગેસ સર્કલ મહેર નગર સોસાયટીમાં રહેતા પરવેઝભાઈ દિનશાજી ભગવાકરે આરોપી અશ્વિન હરિમોરે, હર્ષવર્ધન નલીનરાવ મોરે, ચંદ્રેશખેર હરિ મોરે, શ્રીમતી શિવાંગી મોરે, વિશાલ હરિ મોરે, સુનિલ હરિ મોરે, પ્રશાંત કોલટે (મોરે ગ્રુપ કંપનીનો મેનેજર) તમામ રહે. નાસિક આ બાય શ્રધ્ધાવિલા, કલાનગર) વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયડાદી અને તેના પરિવાર પાસે મોરે ગ્રુપ કંપનીની વિવિધ સ્કીમમાં રૂપિયા ૧ કરોડ ૪૪ લાખ અને કંપનીમાં પાંચ ફલેટ બુકીંગમાં રૂ. ૯૫ લાખ મળી કુલ્લે રૂ. ૨ કરોડ ૩૯ લાખનું રોકાણ કરાવ્યું હતું. રોકાણ બાદ નફા લેખે ટૂકડે-ટૂકડે રૂ. ૧૮ લાખ આપ્યા હતા. ત્યારબાદ રોકાણના રૂપિયા અને નફાનો એક રૂપિયા પરત નહીં કરી ફરિયાદી પરિવાર સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. અડાજણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.