(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
ગુજરાતના વિવિધ શહેરોમાં રોકવામાં આવેલા શ્રમજીવીઓને વતન મૂક્વા નીકળેલા વાહનોને વડોદરા-પંચમહાલની અડીરણ ચેકપોસ્ટ પાસે રોકવામાં આવતા શ્રમજીવીઓએ ભારે હોબાળો મચાવી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તો બીજી બાજુ વડોદરા હાઈવે ઉપર દરજીપુરા ખાતે રોકી દેવામાં આવેલા શ્રમજીવીઓએ ભારે હોબાળો મચાવી મૂક્યો હતો. શ્રમજીવીઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા પોલીસ તંત્ર દ્વારા શ્રમજીવીઓને અમદાવાદ થઈ રાજસ્થાન બોર્ડરથી ઉત્તરપ્રદેશ મોકલવાની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારનાં અન્ય રાજ્યો સાથેના સંકલનના અભાવને કારણે શ્રમજીવીઓ પુનઃ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ગુજરાત સરકાર દ્વારા યુ.પી, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ સરકારે પરપ્રાંતિઓને પ્રવેશ આપવાનો ઈન્કાર કર્યો હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા આડેધડ શ્રમજીવીઓને પાસ આપી વિવિધ વાહનોમાં વતન રવાના કરવાની શરૂઆત કરી હતી. દક્ષિણ ગુજરાત તરફથી વિવિધ વાહનોમાં વતન જવા માટે નીકળેલા શ્રમજીવીઓને વડોદરા હાઈવે ઉપર રોકી દેવામાં આવ્યા હતા. તો બીજી અનેક બસોને વડોદરા-પંચમહાલની અડીરણ ચેકપોસ્ટ પાસે રોકી દેવામાં આવી હતી. અડીરણ ખાતે બસોને રોકવામાં આવતા શ્રમજીવીઓ રોષે ભરાયા હતા. અને પોલીસ ઉપર પથ્થરમારો કરી હોબાળો મચાવ્યો હતો. જોકે, પોલીસ પહોંચી જતાં શ્રમજીવીઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. અને તેઓને અમદાવાદથી રાજસ્થાન બોર્ડર થઈને તેઓને વતન મોકલવાની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.
વડોદરા હાઈવે ઉપર રોકી દેવામાં આવેલા શ્રમજીવીઓના વાહનોને ધોમધખતા તાપમાં દરજીપુરા પાસેના ખુલ્લા મેદાનમાં રોકી દેવામાં આવ્યા હતા. શ્રમજીવીઓને વડોદરામાં રોકી દેવામાં આવતા તેઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. અને સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. વડોદરા શહેર-જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ બોર્ડર પર ૪૦૦ જેટલાં વાહનોનો જમાવડો થઈ ગયો છે. ત્યાં મુસાફરોના સ્ક્રિનિંગ સહિતની કામગીરી કર્યા બાદ ક્લિયરન્સ આપવામાં આવી રહ્યું છે. બોર્ડર પર વધુ ભારણ ન થાય તે માટે અન્ય વાહનોને વડોદરા અને અડીરણ ખાતે અટકાવવામાં આવ્યા હતા. વડોદરા અને અડીરણ ખાતે રોકવામાં આવેલા તમામ શ્રમજીવીઓને અમદાવાદથી રાજસ્થાન બોર્ડરથી યુ.પી, દિલ્હી તરફ રવાના કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અડીરણ ચેકપોસ્ટ પાસે બસો રોકાતા શ્રમજીવીઓનો પોલીસ પર પથ્થરમારો

Recent Comments