ભાવનગર, તા.૮
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર દ્વારા અનુદાનિત ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થા તાપીબાઇ આર. ગાંધી વિકાસગૃહ ખાતે વિશિષ્ટ દત્તક સંસ્થા દ્વારા ઉછેર પામતા બે શિશુને માતાનો પાલવ અને પિતાનુ પ્રાંગણ સાંપડ્યુ છે. અઢી તથા ત્રણ માસના બે બાળકોનો જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમા તાપીબાઇ વિકાસગૃહ ખાતે દત્તકવિધિ સમારોહ યોજવામા આવ્યો હતો. જેમા નડીયાદના રહેવાસી તથા વ્યવસાયે વેપારી દંપતીએ અઢી માસના બાળકને તેમજ નવસારી ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટિમા સાયન્ટીસ્ટ તરીકે ફરજ બજાવતા દંપતીએ ત્રણ માસના બાળકને આજરોજ સંસ્થા ખાતેથી દત્તક લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા તા.૬ ના રોજ ૬ માસની એક બાળકીને પણ સંસ્થા દ્વારા પુણેના દંપતી દ્વારા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર તથા રાજીવભાઈ પંડ્યાની ઉપસ્થિતમાં દત્તક લેવાઈ હતી. આમ ત્રણ દિવસમાં ત્રણ બાળકોનું સંસ્થાના માધ્યમથી પુનઃસ્થાપન કરાયું છે.
આ કાર્યક્રમમા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યુ હતુ કે આ પહેલ સમાજમા અન્યો માટે પણ પ્રેરણાદાયી બનશે તેમ જણાવી બન્ને બાળકોના ઉજ્જવળ ભવિષ્યની અભ્યર્થના વ્યક્ત કરી હતી.
સંસ્થા વિશે માહિતી આપતા સંસ્થાના કોષાધ્યક્ષ ડો.ગિરીશભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે આ સંસ્થા ૧૯૬૨થી આ વિશિષ્ટ સેવાકીય કાર્ય કરી રહી છે. જેમા અત્યાર સુધીમા ૩૧૪ બાળકોનું ઘર પરિવારમા પુનઃ સ્થાપન કરવામા આવેલ છે. સાથે સાથે આવી ૧૧૮ દિકરીઓને લગ્નગ્રંથીથી જોડી તેઓનું સમાજમા પુનઃ સ્થાપન કરેલ છે.
કાર્યક્રમમાં અતિથિઓનુ સ્વાગત સંસ્થાના જે.પી.મૈયાણી તથા આભારવિધિ ગીરીશભાઇ વાઘાણીએ કરી હતી.