મોડાસા, તા.૧૬
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નં.૮ને દોઢ દાયકા બાદ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. ચિલોડાથી શામળાજી સુધીના ફોર લેન હાઈવેને સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે ત્યારે અંદાજીત ૯૩ કી.મી.ના અંતરમાં ૯ જેટલા ફ્લાયઓવર, ૯ અંડર બ્રિજ અને ૧૩ જેટલા નાના વાહનો માટેના અંડર બ્રિજ બનાવવામાં આવવાના છે. શામળાજી પંથકના સિક્સલેન રોડ પર આવેલા ગામડાઓના લોકો વારંવાર ચકકજામ કરી ઓવરબ્રિજ બનાવવાની માંગ કરતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
શામળાજી નજીક ને.હા.નં-૮ પર રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામના ગ્રામજનો હાઈવે નજીક શાળા આવેલી હોવાના પગલે અને હાઈવે રોડ પરથી પસાર થતા વાહનચાલકો પૂરઝડપે વાહનો હંકારતા હોવાથી છાશવારે અકસ્માતની ઘાટનઓ બનતી રહે છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકોને જીવને જોખમ ઊભું થતા અણસોલ નજીક ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે ચક્કાજામ કરતા તંત્ર દોડતું થયું હતું સતત વાહનોથી ધમધમતા અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર ત્રણ કલાકથી વધુ ચક્કાજામ કરતા ૧૫ કીમી જેટલી વાહનોની લાંબી કતારો જામતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હાઈવે પર લોકોએ કરેલ ચક્કાજામ દૂર કરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને અકસ્માતના પગલે ઓવરબ્રિજ બનાવવાની વહીવટી તંત્રમાં લેખિત રજૂઆતની માંગ પર અડગ રહેતા ભિલોડા મામલતદારે ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનો સાથે વાટાઘાટો કરી તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવા એન.એચ.એ.આઈ માં રજુઆત કરી યોગ્ય નિરાકરણ લાવવાની બાંહેધરી આપતા છેવટે ગ્રામજનોએ ચક્કાજામ દૂર કરતા પોલીસતંત્રએ ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો. ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાની માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારી હતી.