અમદાવાદ, તા.ર૭
રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે લોકો લોકડાઉન વચ્ચે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આગામી બે દિવસ ગરમીમાં કોઈ ખાસ રાહત મળે તેવી શક્યતા દખાતી નથી ગરમીને કારણે લોકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. સમગ્ર દેશની સાથે રાજ્યમાં પણ તીવ્ર ગરમી જોવા મળી રહી છે. રાજ્યમાં ગરમ પવનો ફૂંકાતા લોકો ભારે પરેશાન થઈ ઉઠ્યા છે. બુધવારના ૪૪ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન રહેતા ભાવનગરવાસીઓ રીતસરની ભઠ્ઠીમાં શેકાયા હોય તેવો અનુભવ થયો હતો. વળી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ જોરદાર બફારાનો અનુભવ કર્યો હતો. અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટની સ્થિતિ જોવા મળી હતી અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩.૮ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં લોકડાઉનમાં હળવી છૂટછાટ વચ્ચે હજુ પણ લોકો કોરનાના કહેરથી ત્રસ્ત છે ત્યારે ગરમીએ લોકોને ભારે પરેશાન કરી મૂક્યા છે બપોરના ૧થી પ દરમિયાન લોકોને બહાર ન જવાની સૂચના જાણકારો દ્વારા આપવામાં આવી રહી છે. ‘લૂ’ લાગવાની શક્યતાઓ ધવી રહી છે. વાત કરીએ તાપમાનની તો ભાવનગરમાં સૌથી વધુ ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ૪૩.૮, ગાંધીનગરમાં ૪૩.પ, ડીસામાં ૪૩.૩, આણંદમાં ૪ર.૯, સુરેન્દ્રનગરમાં ૪ર.૪, રાજકોટમાં ૪ર.૩, વડોદરામાં ૪ર.ર અને અમરેલીમાં ૪૧.ર જ્યારે કંડલામાં મહત્તમ તાપમાન ૪૦.૯ ડિગ્રી નોંધાયું હતું. આમ રાજ્યના મોટા-ભાગના સ્થળોએ લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. ગરમીથી સમગ્ર પ્રકૃતિ પ્રભાવિત થઈ છે. તીવ્ર ગરમીને જોતાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે જ્યારે હજુપણ બે દિવસ સુધી ગરમીમાં કોઈ રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી. ગરમીથી બચવા માટે લીંબુનું શરબત અને વરિયાળીનું શરબત તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની સલાહ જાણકારો દ્વારા આપવામાં આવી રહી છે. બપરોના સમયે ગરમીની જોરદાર તીવ્રતા જોવા મળી રહી છે ગરમીને કારણે રોડ-રસ્તા અને બજારો સૂમસામ ભાસે છે. લોકો અગત્યના કામ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે. ત્યારે આગામી બે દિવસ ગરમીમાં કોઈ ખાસ રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી. ત્યારબાદ તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળશે. જ્યારે બે દિવસ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જો કે, હાલ તો દેશની સાથે સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
ભાવનગર ૪૪.૦
અમદાવાદ ૪૩.૮
ગાંધીનગર ૪૩.૫
ડીસા ૪૩.૩
આણંદ ૪૨.૯
સુરેન્દ્રનગર ૪૨.૪
રાજકોટ ૪૨.૩
વડોદરા ૪૨.૨
અમરેલી ૪૧.૨
કંડલા ૪૦.૯