પાટણ, તા.૮
ગત જુલાઈ માસમાં બનાસ નદીમાં આવેલ વિનાશક પૂરના કારણે પાટણ અને બનાસકાંઠામાં ભારે તારાજી સર્જાઈ હતી. જેમાં બનાસ નદીનાં કાંઠે વસતા લોકોને સહુથી વધારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિમાં નુકસાનીનો ભોગ બનેલા લોકોને સહાય માટે કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ચારમાસ બાદ પણ ખેડૂતો સહાયથી વંચિત રહેતા આજે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
બનાસ નદી નજીક વસેલા તાલુકાના મસાલી ગામના ખેડૂતોને સહાય મળવામાં અન્યાય થતાં ખેડૂતો આજરોજ રાધનપુર નાય નાયબ કલેકટર કચેરી ખાતે આવ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં ચોમાસામાં આવેલા ઘોડાપૂરમાં મસાલી ગામની પ૦૦ વિઘા જેટલી જમીનનું સંપૂર્ણપણે ધોવાણ થયેલ છે. નદીકાંઠામાં આવેલ ખેતરો આજે ખેતી કરવા લાયક રહ્યા નથી અને નદીના વહેણ પડી ગયેલા છે. જ્યારે પૂરના પાણી ખેતરોમાં ફરી વળતા ખેતીની જમીનમાં પાંચેક ફૂટ જેટલી નદીની રેત ધસી આવતા ખેતરોમાં નદીની રેતના કારણે ખેડૂતો ખેતી કરી શકે તેવા રહ્યા નથી. સરકાર દ્વારા મસાલી ગામને ૧૦૦ ટકા પૂરગ્રસ્ત જાહેર કરેલુ હતું. પરંતુ ખેડૂતોને સહાય ચૂકવવામાં સરકાર દ્વારા અન્યાય કરવામાં આવેલો છે અને નુકસાનીના ર૦ ટકાથી પણ ઓછી રકમ ખેડૂતોને ચૂકવીને ધરતીપૂત્રોની મજાક કરવામાં આવી છે. જ્યારે કેટલાક ગામોમાં નુકસાની ઓછી હોવા છતાં અધિકારીઓના મેળાપીપણાને કારણે મોટી રકમો ચૂકવવામાં આવી છે જેની પણ તપાસ કરવા ખેડૂતોએ માંગ કરી હતી. જ્યારે નદીમાં બનાવેલ બોરવેલનું પણ સરકાર દ્વારા સર્વે કરાવવામાં આવ્યું હતું જેમાં પણ અધિકારીઓએ મરજી મુજબ સર્વે કર્યું હતું. જેમાં નદીમાં આવેલ પૂરમાં બોરની ઈલેકટ્રીક મોટરપંપ, એન્જિન મશીન, પાઈપ લાઈન જે પૂરના પાણીમાં તણાઈ ગયેલ હોઈ તેનું પણ વળતર ગામના ખેડૂતોને ચૂકવવામાં આવેલ નથી. ખેડૂતભાઈઓને થયેલ નુકસાનીનું વળતર ચૂકવવામાં સરકાર દ્વાર ભેદભાવની નીતિ અપનાવવામાં આવી છે. મસલાી ગામના ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર સરકાર દ્વારા તાત્કાલીક ચૂકવવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગામના લોકો મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી પણ આવેદનપત્રમાં ખેડૂતોએ ઉચ્ચારી હતી.