સદીના મહાન નાયકે મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં સવારે ૭.૩૦ વાગે છેલ્લા શ્વાસ લીધા
ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો “જુગનુ” અને અભિનયનો “લીડર” પોતાના “અંદાજ”માં પોતાની અભિનય “શક્તિ” તેમજ માનવતાના કર્મો કરી પોતાની “દાસ્તાન” મૂકી આ ફાની ‘દુનિયા’ છોડી ગયા
સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દિલિપ સા’બની અંતિમ વિદાય, જનાઝાને તિરંગાથી લપેટવામાં આવ્યો, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાયની ઘોષણા કરી હતી
હિંદી સિનેમા જગતના મહાન નાયક યુસુફખાન સા’બને અંતિમ વિદાય આપવા માટે ઘરે પહોંચેલા બોલિવૂડ દિગ્ગજો હીબકે ચડ્યાં, સાયરા બાનું પણ અંતિમ વિદાય સમયે ભાવુક બન્યાં
(એજન્સી) મુંબઇ, તા. ૭
ભારતીય સિનેમા જગતના બ્લેક એન્ડ વ્હાઇટ યુગથી રંગીન યુગના અભિનય સમ્રાટ દિલિપ કુમાર નામથી જાણીતા યુસુફ ખાન આજે ૯૮ વર્ષની જૈફ વયે અલ્લાહની રહેમતમાં પહોંચી હતા. બુધવારે સવારે ૭.૩૦ વાગે દિલિપ સા’બનું નિધન થયું હતું. તેઓ ૩૦મી જૂને વૃદ્ધાવસ્થાની અનેક સમસ્યાઓને કારણે પીડી હિંદુજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. અભિનય સમ્રાટના નજીકના સાથી ફૈસલ ફારૂકીએ ટિ્વટમાં જણાવ્યું કે, ‘‘ભારે દિલ અને મોટા દુઃખ સાથે જાહેરાત કરવી પડી છે કે, આપણા પ્રિય દિલિપ સા’બ ફાની દુનિયા છોડીને જતાં રહ્યા છે. આપણને અલ્લાહે મોકલ્યા છે અને ત્યાં જ પાછા જવાનું છે.’’ દિલિપ સા’બને જુહૂના કબ્રસ્તાનમાં બુધવારે સાંજે પાંચ વાગ્યે સુપુર્દ-એ-ખાક કરાયા હતા. આ કબ્રસ્તાનમાં ગાયકીના બાદશાહ મોહમ્મદ રફી, મધુબાલા, મઝરૂહ સુલ્તાનપુરી સહિતની અનેક જાણીતી હસ્તીઓને દફનાવાઇ છે. દિલિપ સા’બને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમના જનાઝાને ભારતીય તિરંગાથી લપેટવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા આપેલા નિર્દેશો પ્રમાણે દિલીપ કુમારની અંતિમ યાત્રા રાજકીય સન્માન સાથે થઈ છે. સામે આવેલી અંતિમ યાત્રાની તસવીરોમાં દિલીપ કુમારનું પાર્થિવ શરીર તિરંગામાં લપેટવામાં આવ્યું હતું. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સહિત અનેક લોકો તેમને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા.
દિલીપ કુમારના નિધન બાદ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. લોકો સોશિયલ મીડિયા પર અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. દિલીપ કુમારના અંતિમ દર્શન કરવા માટે અનેક અભિનેતાઓ અને રાજનેતાઓ તેમના ઘરે પહોંચ્યા હતા. દિલીપ કુમારને મુંબઈના જૂહુ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા. દિલીપ કુમારને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી છે. પત્ની સાયરા બાનોને સાંત્વના આપવા માટે સમગ્ર બોલિવૂડના ટોચના સિતારાઓ, સોશિયલ મીડિયા અને તેમના શુભચિંતકોએ સંદેશા તથા રૂબરૂ હાજરી આપીને શોક વ્યક્ત કર્યો હતો. દફનવિધિ પહેલાં શાહરૂખ ખાન, રણબીર કપૂર, કરણ જોહર, શબાના આઝમી, અનુપમ ખેર સહિતના ટોચના કલાકારો તેમના ઘરે પહોંચ્યા હતા. આ શોકના સમયે સાયરા બાનો ઘણા ભાવુક થયા હતા જેઓ દિલિપ સાહબને અંતિમ વિદાય આપવા માટે સાયરા બાનો પોતે પણ જનાઝા સાથે ચાલી રહ્યા હતા. આ સમયે એક પત્નીની પીડા સહજ રીતે કોઇપણ સમજી શકે છે. તેઓ સુખી પતિ પત્ની તરીકે છેલ્લા પાંચ દશકથી સાથે જીવન વ્યતિત કરતા હતા. કારકિર્દીના પ્રથમ દશકમાં દિલિપ સાહબ સ્ટાર બન્યા, બીજા દશકમાં સુપરસ્ટાર બન્યા પરંતુ મુઘલ-એ-આઝમ, અંદાઝ, ગંગા જમુના, રામ ઔર શ્યામ, દેવદાસ અને આઝાદ ફિલ્મો આપ્યા બાદ તઓ ભારતીય ફિલ્મ જગતના અભિનય સમ્રાટ બની ગયા હતા. જુની અને આગામી પેઢીઓ માટે દિલિપ સાહબ હરહંમેશ પ્રેરણારૂપ બની રહેશે. ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ જન્મ લેનારા યુસુફ ખાન હિંદી ફિલ્મોમાં દિલિપ કુમાર તરીકે જાણીતા થયા. તેમણે હિંદી સિનેમાને નયા દૌરથી દેવદાસ, મુઘલે આઝમથી રામ ઔર શ્યામ, શક્તિથી કર્મા જેવી શ્રેષ્ઠતમ ફિલ્મો આપી છે. તેઓ બદલાતા સમયમાં પોતાના અભિનયને પણ તેમાં ઢાળી દેતાં હતા. છ દશક સુધી સિનેમા જગત પર રાજ કરનારા દિલિપ સાહબે અનેક એવોર્ડ જીત્યા હતા જ્યારે શ્રેષ્ઠ અભિનય માટે સૌથી વધુ ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે. દિલિપ સાહબે ૧૯૬૬માં સાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા.
Recent Comments