સરકારે ૨૫૦થી વધુ ચાઇનિઝ એપ્લીકેશનની યાદી તૈયાર કરી, પબજી અને ટેન્સન્ટનો પણ સમાવેશ • નવી પ્રતિબંધિત એપ્સમાં ટિકટોક લાઇટ, હેલો લાઇટ, શેરઇટ લાઇટ, બિગો લાઇવ લાઇટ, કેમ સ્કેનર એડવાન્સ અને વાયએફવાય લાઇટનો પણ સમાવેશ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
ટિકટોક સહિત ચીનની ૫૯ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યાના મહિના બાદ આ એપ્સ સંબંધિત ક્લોન એપ્સ પર કેન્દ્ર સરકારે સોમવારે પ્રતિબંધ લગાવી દીધો છે. ઇલેકટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આવા ૪૭ ક્લોન એપ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. જેમાં ટિકટોક લાઇટ, હેલો લાઇટ, શેરઇટ લાઇટ, બિગો લાઇવ લાઇટ, કેમ સ્કેનર એડવાન્સ અને વાયએફવાય લાઇટ સામેલ છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, પહેલા પ્રતિબંધિત કરાયેલી એપ્સના ક્લોન તરીકે ઓળખાયેલી નવી એપ્સને પણ પ્રતિબંધિત કરાઇ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યારસુધી ચીનની કુલ ૧૦૬ મોબાઇલ એપ્સને દેશની અખંડિતતા, એકતા અને સુરક્ષા માટે નુકસાનકારક ગણાવતા પ્રતિબંધ લગાવાયો છે.
સૂત્રો અનુસાર આ અંગે શુક્રવારે આદેશ જારી કરાયો હતો. એલએસી વિવાદને લઇને ભારત અને ચીનમાં આવેલી તંગદિલીના સમય વચ્ચે મોદી સરકારે સુરક્ષા અને ગોપનિયતાનો હવાલો આપીને ૨૯મી જૂને ચીનની ટિકટોક, હેલો અને યુસી બ્રાઉઝર સહિત ૫૯ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એટલું જ નહીં ભારતે આ ઉપરાંત ૨૫૦ ચાઇનિઝ એપ્લીકેશનની યાદી પણ તૈયાર કરી છે જે અલીબાબા સાથે જોડાયેલી છે. માનવામાં આવે છે કે, આ યાદીમાં ટેન્સન્ટ અને પબજીનો પણ સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર કેટલીક ટોચની ગેમિંગ એપ્લીકેશન પણ આ નવી યાદી અંતર્ગત ભારતમાં પ્રતિબંધિત કરી શકાય છે. વાસ્તવમાં આ ચીનની એપ્લીકેશન પર આરોપ લગાવાઇ રહ્યો છે કે, તે ચીનની એજન્સીઓ સાથે લોકોના અંગત ડેટા શેર કરે છે. આ કારણે જ તેની હાલ સમીક્ષા કરાઇ રહી છે. શું છે ક્લોન એપ્સ : ક્લોન એપ્સ કોઇ એક એપને ભળતું સ્વરૂપ છે. ક્લોન એપ દ્વારા યૂઝરએક સમયે કોઇ ચોક્કસ એપ પર બે એકાઉન્ટને ચલાવી શકે છે. પ્રથમ ઓરિજનલ એપ(મેઇન એપ) પર અને બીજું તેનાથી ભળતા એપ પર ચલાવી શકે છે.