અમદાવાદ, તા.૩૧ : ધોરણ ૧રની બોર્ડની પરીક્ષાનું પરિણામ ગુરૂવારે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સામાન્ય મજૂરી કરનારાના બાળકથી લઈને ગેરેજમાં કામ કરનારાના બાળકોએ ખરેખરમાં તેમના પિતાની મહેનતનો રંગ રાખ્યો છે. ગરીબ પરિવારના આ તેજસ્વી તારલાઓને હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી બનીને તેમના પરિવાર અને સમાજની આર્થિક તથા સામાજિક સ્થિતિ સુધારવી છે. આ તેજસ્વી તારલાઓએ કરેલા પરિશ્રમથી મેળવેલી સફળતા અંગે તેમણે શું જણાવ્યું તે આપણે તેમની પાસેથી જ જાણીએ.

બોર્ડમાં ઝળકેલી શેખ મેઝબીનબાનુને
સીએ બનીને સેવા કરવાની ઈચ્છા

દીવાન બલ્લુભાઈ સ્કૂલ પાલડીની વિદ્યાર્થિની અને વિનામૂલ્યે કોચિંગ કરાવતા શાહીન ફાઉન્ડેશનની શેખ મેઝબીનબાનુ શબ્બીરહુસેને ૯૯.૪૦ પર્સન્ટાઈલ સાથે એ-ર ગ્રેડથી ધોરણ ૧ર કોમર્સની પરીક્ષામાં ઝળહળતી સફળતા હાંસલ કરી છે. રિક્ષા ડ્રાઈવરની દીકરી મેઝબીનબાનુ એ જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવવા ટ્યુશન અને શાળામાં અભ્યાસ કરાવેલું દરરોજ ઘરે જઈને રિવિઝન કરતી હતી. એટલે સમજીને અભ્યાસ કરવાથી સફળતા મેળવી શકાય છે. માત્ર ગોખણપટ્ટી કરવાથી તો પરીક્ષામાં માત્ર પાસ જ થઈ શકાય પણ સફળતા મેળવી ન શકાય. એકાઉન્ટ વિષયમાં ૯૯ માર્કસ અને સ્ટેટ વિષયમાં ૯૪ માર્કસ અને ઈકોનોમિક્સ વિષયમાં ૯૬ માર્કસ મેળવનારી મેઝબીનબાનુને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને ગરીબ બાળકોને મદદ કરવી છે.

રંગરેજ હુસનુદ્દીનને ટીચર બનવાની ખેવના

ન્યુ મેઘદૂત સ્કૂલના વિદ્યાર્થી રંગરેજ હુસનુદ્દીન નિઝામુદ્દીનએ ધોરણ ૧ર કોમર્સમાં ૯૯.પ પર્સન્ટાઈલ સાથે એ-ર ગ્રેડથી જવલંત સફળતા મેળવી છે. વટવામાં કુરિયર સર્વિસનું કામ કરનારા દીકરા હુસનુદ્દીને એકાઉન્ટ વિષયમાં ૯૯ માર્કસ, સ્ટેટ વિષયમાં ૯ર માર્કસ અને ઈકોનોમિક્સમાં ૯૪ માર્કસ હાંસલ કર્યા છે. આ અંગે હુસનુદ્દીને જણાવ્યું હતું કે અગાઉ મારી મા અભ્યાસ છોડી દેવા માટે કહેતી હતી. પરંતુ આજે મારું પરિણામ જોઈને સૌથી વધારે ખુશ મારી માતા જ છે. વધુમાં અભ્યાસ કરવા અંગે તેણે ટીચર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરીક્ષામાં સફળતા મેળવવા શરૂઆતથી જ મહેનત કરવી જરૂરી છે.

પરીક્ષામાં સફળ થવા મુરસીદખાન
સોશિયલ મીડિયા અને
મોબાઈલથી અળગો રહ્યો

શહેરના વટવા વિસ્તારમાં રહેતા પઠાણ મુરસીદખાન જાવેદખાને ધો.૧ર કોમર્સમાં ૯૯.૩ર પર્સન્ટાઈલ સાથે એ-ર ગ્રેડથી બોર્ડની પરીક્ષા સર કરી છે. સ્ટેટ વિષયમાં ૯૮, એકાઉન્ટમાં ૯૪ અને ઈકોનોમિક્સ વિષયમાં ૯૩ માર્કસ હાંસલ કર્યા છે. શાહીન ફાઉન્ડેશનના વિદ્યાર્થી મુરસીદખાને પરીક્ષા અંગે જણાવ્યું હતું કે, ત્રણથી ચાર કલાક વાંચન કરવાની સાથે-સાથે સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોનથી દૂર રહેતો હતો. પરીક્ષામાં સફળતા મેળવવા જે વિષય ઓછો આવડતો હોય તે વિષય સૌથી પહેલા અભ્યાસ કરવો જોઈએ. જો કે મારે અંગ્રેજીનું પેપર ખરાબ ગયું હતું. એટલે મને અંગ્રેજી વિષયમાં નાપાસ થવાનો ડર હતો. પરંતુ પરિણામ કંઈક જુદું જ આવ્યું અને હું આટલા સારા માર્કસથી પાસ થઈ ગયો. વધુમાં કંપની સેક્રેટરી બનીને મારે સમાજમાં શૈક્ષણિક સુધારા માટે કામ કરવાની ઈચ્છા છે.