નવી દિલ્હી, તા.ર૮
પુલવામા આતંકવાદી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતે કરેલા વળતા હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેનો માહોલ ગરમાયો છે. સોશિયલ મીડિયા પર ધોધમાર પ્રતિક્રિયાઓ આવી રહી છે અને ટ્રોલ પણ થઈ રહ્યા છે આ દરમ્યાન પાકિસ્તાન મૂળના ભારતીય નાગરિક અદનાન સામીએ પાકિસ્તાની ટ્રોર્લ્સને સોશિયલ મીડિયા પર જડબાતોડ જવાબ આપ્યા છે. ગાયક અદનાન સામીએ ટ્‌વીટમાં લખ્યું કે, ‘ધ ફોર્સ ઈઝ વીથ યૂ નરેન્દ્ર મોદીજી’ ભારતીય વાયુસેનાનું સન્માન કરું છું. પરંતુ અદનાનની આ ટ્‌વીટથી તેમને ટ્રોલ કરવામાં આવ્યા અને અનેક પ્રકારના કટાક્ષો કરવામાં આવ્યા છે પરંતુ અદનાન ચૂપ બેસી રહ્યા નહીં તેમણે પાકિસ્તાની ટ્રોર્લ્સને જડબાતોડ જવાબ આપતા ટ્‌વીટ કર્યું કે, પ્રિય, પાકિસ્તાની ટ્રોલ્સ, હકીકતની તપાસ કરવાનો તમારા અહંકારથી કોઈ લેવાદેવા નથી. અહીં એ આતંકવાદીઓનો સફાયો કરવાની વાત છે જેના વિશે તમારો દાવો છે કે એ તમારા ત્રણ દુશ્મન છે ! સચ્ચાઈ સામે નહીં જોવાની તમારી દૃષ્ટિ હાસ્યાસ્પદ છે. અદનાને લખ્યું કે, તમારી ભાષા જ તમારા વ્યક્તિત્વની ચાડી ખાય છે ઉલ્લેખનીય છે કે અદનાન સામીને મે ર૦૧પમાં ભારતીય નાગરિકતા મળી હતી.