(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૫
સંસદના ચોમાસું સત્ર દરમ્યાન કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. સરકારે અદાણી જૂથને દેશના છ વિમાન મથકોને વિકસાવવા અને સંચાલનની જવાબદારી સોંપતા આરોપ લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ કેસી વેણુગોપાલે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, એરપોર્ટના સંચાલનની જવાબદારી કોઈ એક કંપનીને આપવી એ નિયમોનું ઉલ્લંધન છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે આ મામલે પોતાના જ મંત્રીઓ અને અધિકારીઓના સૂચનોની અવગણના કરી હતી.
કોંગ્રેસના નેતાએ આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, મોદી સરકારે નિયમોમાં બદલાવ કરી અદાણી ગ્રૃપને છ વિમાન મથકોના સંચાલનની જવાબદારી સોૅપી છે. છ નીલામીમાં અદાણી જૂથનો જ વિજય થયો હતો. કોંગ્રેસના આરોપો અંગે કેન્દ્ર સરકારને ખુલાસો કરવાની ફરજ પડી હતી. સરકારની તરફેણ કરતાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૬માં દિલ્હી અને મુંબઈ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. આ બન્ને એરપોર્ટ દ્વારા પ્રાપ્ત થતી આવકની ટકાવારી ૩૩ ટકા છે અને જે છ એરપોર્ટનું ખાગીકરણ કરવામાં આવ્યુંં છે, તેની આવકની ટકાવારી નવ ટકા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યસભામાં એરક્રાફટ સંશોધન બિલ ૨૦૨૦ પસાર થયું હતું. જેમાં ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન સહિત ટોચના ત્રણ પદો નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ પરિવર્તિત કરવાની જોગવાઈ છે. સાથે આ ખરડામાં ભારતીય સુરક્ષા દળ સાથે જોડાયેલા વિમાનોને એરક્રાફટ એકટ ૧૯૩૪થી બહાર રાખવાની પણ જોગવાઈ છે. આ બિલમાં નિયમોના ઉલ્લંધન બદલ દંડની રકમ દસ લાખ રૂપિયાથી વધારી એક કરોડ રૂપિયા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે યોજાયેલી હરાજીમાં અમદાવાદ, તિરૂવનંતપુરમ, લખનૌ, મેંગલુરૂ, ગોવાહાટી અને જયપુર એરપોર્ટના ખાનગીકરણનું કામ અદાણી જૂથને સોંપવામાં આવ્યું હતું. આ નીલામીમાં દસ કંપનીઓએ બોલી લગાવી હતી પણ તમામ એરપોર્ટની જવાબદારી અદાણી જૂથને સોંપવામાં આવી હતી.
(સૌ. : જનસત્તા.કોમ)