ભૂજ, તા.ર૯
કચ્છમાં સરકારી હોસ્પિટલની કરોડોની તૈયાર માળખાકીય સુવિધા હસ્તગત કરી લઈ મેડિકલ કોલેજના માધ્યમથી સેવા કરવાનો દેખાવ કરનાર અદાણી જૂથ કરોડો રૂપિયા રળી લીધા પછી પણ કોઈ જ સેવા કરતી નથી અને કચ્છના લોકોને લૂંટી રહી હોવાના આક્ષેપ સાથે કચ્છ કોંગ્રેસના અગ્રણીઓએ અદાણી જૂથ સંચાલિત હોસ્પિટલની અનેક ઉણપો ખોલી હતી અને અદાણી હોસ્પિટલની દાદાગીરી ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી રફીકભાઈ મારા અને કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલે આ અંગે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું કે, અદાણી જૂથે ભૂજની સરકારી હોસ્પિટલ હસ્તગત કરતી વખતે સરકાર સાથે એમ.ઓ.યુ.માં જણાવ્યા મુજબની કોઈ શરતોનું પાલન થતું નથી. અદાણી જૂથ દ્વારા આ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર શરૂ કરવાની ખાત્રી આપી હતી જે આજ સુધી શરૂ થયું નથી. હોસ્પિટલમાં ન્યુરો સર્જનની ખાલી જગ્યા હતી તે અનેક રજૂઆતો બાદ ન્યુરો સર્જન માત્ર એક અઠવાડિયામાં દોઢ કલાકની વિઝીટ પૂરતા જ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. અહીં કાર્ડિયોલોજિસ્ટ, યુરોલોજિસ્ટ નથી. મોટાભાગના વોર્ડમાં પંખા જ નથી !
આ મેડિકલ કોલેજમાં ૭પ૦ વિદ્યાર્થીઓ ભણે છે. જેની ફી પેટેની આવક ૧પ૦ કરોડ વાર્ષિક ધોરણે અદાણી જૂથ મેળવે છે. ઉપરાંત સરકારી ગ્રાંટ પણ મેળવે છે. છતાં લોકોને તબીબી સુવિધાના નામે મીંડું છે.વધુમાં અદાણી હોસ્પિટલની ખામી કે ઉણપો અંગે કોઈ જાણકાર આગેવાન હોબાળો ના કરે તે માટે હવેથી ભૂજની અદાણી હોસ્પિટલમાં રાજકીય આગેવાનોને પ્રવેશબંધીનું ફરમાન હોસ્પિટલ સંચાલકો દ્વારા કરવામાં આવતા ગરીબ દર્દીઓની હાલત વધુ કફોડી થશે.
પત્રકારોને માહિતી આપવા પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓ માનસી શાહ, રમેશ ગરવા, ગનીભાઈ કુંભાર, દિપક ડાંગર, ધીરજ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.