(એજન્સી) તા.૨૧
ગુજરાતના કચ્છ જિલ્લામાં મુંદ્રાની એક અદાલતે અદાણી ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલ બદનક્ષીના કેસમાં મંગળવારે વરિષ્ઠ પત્રકાર પરંજોય ગુહા ઠાકુરતા વિરૂદ્ધ ધરપકડનું વોરંટ જારી કર્યુ છે. નવી દિલ્હીની નિઝામુદ્દીન પોલીસને સૂચના જારી કરતાં જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ પ્રદિપ સોનીની અદાલતે જણાવ્યું છે કે આઇપીસીની કલમ ૫૦૦ હેઠળ આરોપી વિરૂદ્ધ આરોપ ઘડવામાં આવ્યાં છે. આપને આ આરોપીની ધરપકડ કરીને મારી સમક્ષ હાજર કરવા સૂચના આપવામાં આવે છે.
વર્ષ ૨૦૧૭માં ઠાકુરતા ઇકોનોમિક એન્ડ પોલિટીકલ વિકલી મેગેઝીન (ઇપીડબલ્યુ)ના તંત્રી હતાં અને તેમણે અદાણી ગ્રુપને મોદી સરકાર તરફથી રૂ.૫૦૦ કરોડની ભેટ મળ્યાંના સમાચારો પ્રસિદ્ધ કર્યા હતાં તેને લઇને અદાણી ગ્રુપે તેમની વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. આ લેખ પ્રસિદ્ધ થયાં બાદ અદાણી પાવર દ્વારા પોતાના વકીલોની મારફતે ઇપીડબલ્યુ, લેખના ચાર લેખકો (જેમાં ગુહા પણ શામેલ છે) અને આ પત્રિકાના માલિક અને તેને ચલાવનાર સમીક્ષા ટ્રસ્ટને એક પત્ર લખ્યો હતો.
આ પત્રમાં બે લેખો હટાવવા-ડિલીટ કરવા અને કોઇ પણ જાતની શરત વગર પાછા ખેંચવા માટે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી. ઠાકુરતાના વકીલે જણાવ્યું હતું કે તેમને હજુ અદાલત તરફથી કોઇ જાણ થઇ નથી. આ માહિતી (ધરપકડ વોરંટ અંગે) અમને મિડીયા તરફથી મળી છે એવું આનંદ યાજ્ઞીકે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે અદાણી ગ્રુપે દરેક વિરૂદ્ધ ફરિયાદો પાછી ખેચી લીધી છે પરંતુ તેમના અસીલ ઠાકુરતા વિરૂદ્ધ ફરિયાદ પાછી ખેચી નથી.
જો કે અદાણી ગ્રુપ તરફથી મળેલા પત્રો બાદ દિલ્હીમાં યોજાયેલ સમીક્ષા ટ્રસ્ટ બોર્ડની બેઠકમાં તંત્રી વિભાગને બંને લેખો પાછા ખેચવાનો આદેશ કર્યો હતો અને ત્યાર બાદ ઠાકુરતાએ રાજીનામુ આપી દીધું હતું. આ બંને લેખો ધ વાયરમાં પુનઃ પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં. વકીલ આનંદ યાજ્ઞીકે જણાવ્યું હતું કે અમે અદાલતમાં ડિસ્ચાર્જ એપ્લિકેશન આપી દીધી છે. પરંતુ મહામારીને કારણે અદાલતમાં સુનાવણી થઇ ન હતી અને હવે સોમવારે સુનાવણી થઇ છે અને અદાલતે જણાવ્યું હતું કે તે યોગ્ય આદેશ કરશે. ધ વાયર પોતાનું એવું વલણ રેકોર્ડ પર લાવવા માગે છે કે આ લેખ એ યોગ્ય અભિવ્યક્તિ સ્વરૂપે છે અને બદનક્ષીકારક નથી.