જામનગર, તા.૧ર
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લાખોટા મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવનાર હતું, પરંતુ અચાનક મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ થયો છે. આથી હવે આ મ્યુઝિયમની ઝાંખી માટે લોકોએ ફરી મુખ્યમંત્રી જામનગર આવે ત્યાં સુધી રાહ જોવી પડશે.
જામનગર મહાનગર-પાલિકા દ્વારા સરકારનો સહયોગથી લાખોટા મ્યુઝિયમનું રીસ્ટોરેશન કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ તા.૧૪-૪-ર૦૧૮ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવનાર હતું, પરંતુ મુખ્યમંત્રીનો જામનગરનો કાર્યક્રમ હાલ રદ થયો છે. આથી લાખોટા મ્યુઝિયમનું લોકાર્પણ નહીં થનાર હોવાથી લોકો તેને નિહાળી શકશે નહીં. હવે ફરી વખત મુખ્યમંત્રીનો જામનગર કાર્યક્રમ યોજાય તેની લોકોએ રાહ જોવી પડશે.
આ ઉપરાંત આવાસ યોજનાનો ડ્રો પણ મુખ્યમંત્રીના હસ્તે થનાર હતો તે પણ રદ થયો છે. તેથી લાભાર્થીઓને ‘ઘરનું ઘર’ હવે મોડું મળશે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના યજમાન પદે ચાલી રહેલી આંતર મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેનાર હતાં, પરંતુ તેમનો જામનગરનો કાર્યક્રમ રદ થતા તેઓ ક્રિકેટ બંગલામાં આયોજીત કાર્યક્રમમાં પણ નહીં આવી શકે. તેથી આયોજકોમાં નિરાશા વ્યાપી છે.