(એજન્સી)                              તા.૯

સુપ્રીમ કોર્ટને સત્તાવાર રીતે લેખિત સ્વરૂપે કરાયેલી વિગતવાર જાણમાં આપણા ધારાસભ્યો અને સાંસદો કેટલી હદે ગુનેગાર છે, તે અંગેની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ વિગતમાં કહેવામાં આવ્યું હતું કે, હાલ દેશના ૨૨ રાજ્યોમાંથી ચૂંટાયેલા ૨૫૫૬ જેટલા ધારાસભ્યો અને સંસદ સભ્યો કોઇને કોઇ કેસમાં આરોપી બનેલા છે. જો આ સંખ્યામાં ભૂતપૂર્વ ધારાસભ્યો અને સાંસદોની સંખ્યા ઉમેરી દેવામાં આવે તો આંકડો ૪૪૧૨ ઉપર પહોંચી જાય છે.

રાજ્યોની વિધાનસભાઓમાં અને સંસદમાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સામે નોંધાયેલા ક્રિમિનલ કેસોનો ઝડપી નિકાલ લાવવાની દાદ માંગતી અશ્વીની કુમાર ઉપાધ્યાય દ્વારા કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટ મિત્ર એવા એડવોકેટ વિજય હંસારિયાએ સુપ્રીમ કોર્ટને લેખિત સ્વરૂપે વિગતવાર જાણ કરી હતી કે હાલ ૨૫૦૦થી વધુ ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો સામે ક્રિમિનલ કેસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંય સમયથી ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સામે દિવસેને દિવસે વધુને વધુ ક્રિમિનલ કેસો નોંધાતા જતા હોવાથી રાજકારણનું જે રીતે અપરાધીકરણ થઇ રહ્યું છે, તેની સામે જન આક્રોશ વધી ગયો છે. સુપ્રીમ કોર્ટને વધુમાં એવી જાણ કરાઇ હતી કે, ધારાસભ્યો અને સાંસદો સામે નોંધાયેલા ૧૭૪ કેસો એવા છે. જેમાં ગુનો પૂરવાર થતાં આરોપીને આજીવન કેદની સજા થઇ શકે છે. ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ સામેના અન્ય કેસોમાં ભ્રષ્ટાચાર અટકાયત ધારો-૧૯૮૮, કાળા નાણાં અટકાયત ધારો-૨૦૦૨, હથિયાર ધારો-૧૯૫૯, જાહેર સંપત્તિ નુકસાન અટકાયત ધારો-૧૯૮૪, આપીસીની પેટા કલમ ૫૦૦ હેઠળ બદનક્ષી અંતર્ગત વિવિધ ગુનાઓ નોંધવામાં આવ્યા છે, એમ લાઇવલો ડોટ કોમ વેબસાઇટે પ્રસિદ્ધ કરેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશ એવું રાજ્ય છે, જેમાં સૌથી વધુ સંખ્યામાં હાલના અને ભૂતકાળના ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસો નોંધાયેલા છે. હાલ તેઓ સામે ૧૨૧૭ કેસ પેન્ડિંગ છે જે પૈકી ૪૪૬ કેસમાં હાલ ચાલુ એવા ધારાસભ્યોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. હાલ ચાલુ ૩૫ ધારાસભ્યો અને ભૂતકાળના ૮૧ ધારાસભ્યો સામે જઘન્ય અપરાધ આચરવા બદલ કેસ નોંધાયેલા છે અને જો આ કેસમાં ગુનો પૂરવાર થાય તો તેઓને આજીવન કેદની સજા થઇ શકે છે.