(સરફરાઝ મનસુરી)
અમદાવાદ, તા.ર૯
ગુજરાત સહિત દેશભરમાં અનલોક-૩ની તૈયારીઓ ચાલી રહી છે. ૩૧ જુલાઈના રોજ અનલોક-ર પૂર્ણ થવાનું છે છતાં બેંકો સહિત ઘણી કંપનીઓના કસ્ટમર કેર હજુ નિયમિતપણે શરૂ નહીં થતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કસ્ટમર કેર બંધ હોવાથી ઘણા લોકોના કામો અટકી પડ્યા છે. કેમ કે સામાન્ય રીતે બેંકો સહિતની સેવાઓ માટેની કોઈપણ ફરિયાદનો ઉકેલ હવે કસ્ટમર કેર દ્વારા આવે છે. હાલના ઓનલાઈન અને ડિઝિટલના સમયમાં બેંકો, મોબાઈલ ફોન અને ઘરેલું વપરાશ તેમજ રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓની કોઈપણ ફરિયાદનું એક સ્થળે કેન્દ્રીયકરણ કરવામાં આવ્યું છે. જ્યાંથી ફરિયાદ આગળ મોકલી તેનું નિવારણ લાવવામાં આવે છે. વળી કસ્ટમર કેરનું સમગ્ર કામકાજ ઓનલાઈન અને ફોનના માધ્યમથી થાય છે. એટલે કે કસ્ટમર કેરના કર્મચારી પ્રત્યક્ષ રીતે લોકોના સંપર્કમાં આવતા નથી. જેથી તેમને કોરોના સંક્રમિત થવાનો સૌથી ઓછો ખતરો છે છતાં ઘણી બેંકો મોબાઈલ ફોન કંપનીઓ અને ઘરેલું વપરાશની વસ્તુઓ ઉત્પાદિત કરતી કંપનીઓએ કસ્મટર કેરની સેવા હજુ પૂર્વવત નહીં કર્યાની લોક ફરિયાદો ઊઠી છે. આ અંગે અમદાવાદના રિલીફ રોડ ખાતે સ્થિત એક બેંકના કર્મચારી સાથે વાત કરાતા તેમણે જણાવ્યું હતું કે મોટાભાગની કસ્ટમર કેર ઓફિસો મુંબઈ અને દિલ્હીમાં છે. જ્યાં હાલ સંક્રમણ વધુ હોવાથી કર્મચારીઓ કામ પર આવતા નથી અથવા ઓછી સંખ્યામાં આવે છે માટે ગ્રાહકોની ફરિયાદનું નિવારણ આવતું નથી પણ ટૂંક સમયમાં આ કામ સામાન્ય થવાની શકયતા છે. ખાનગી બેંકમાં ખાતું ધરાવતા સમીરભાઈએ જણાવ્યું હતું કે મારા ખાતામાંથી ભૂલથી અમુક રકમ કપાઈ ગઈ હતી. આ અંગે મે બેંકમાં રજૂઆત કરતાં તેમણે ઓનલાઈન ફરિયાદ કરવા જણાવ્યું હતું. ઓનલાઈન ફરિયાદ માટે આપેલો નંબર ડાયલ કરતાં સામે માત્ર રેકોર્ડ કરેલી ટેપ વાગે છે. હવે બેંકવાળા કહે છે કે તમારી ફરિયાદનો ઉકેલ માત્ર કસ્ટમર કેર દ્વારા આવશે. હવે હાલ આર્થિક સંકટના સમયમાં અમારે ક્યાં જવું. શહેરના ખાનપુર વિસ્તારમાં રહેતી એક ગૃહિણીએ જણાવ્યું હતું કે આશ્રમરોડના એક સ્થળેથી મેં વોશિંગ મશીનની ખરીદી કરી હતી. જે છેલ્લા ત્રણ માસથી ખોટકાતા મેં અનલોક-ર બાદ કંપનીમાં ફરિયાદ કરી હતી. કંપનીમાંથી મને કસ્ટમર કેરનો નંબર અપાયો હતો. જ્યાં સંપર્ક કરતાં કોઈ જવાબ મળ્યો ન હતો. અનેક વખત સંપર્ક કર્યા છતાં પરિણામ શૂન્ય આવ્યું હતું. વોશિંગ મશીનનો વોરન્ટી સમય પણ પૂરો થયો ન હતો છતાં કસ્મટર કેરના વલણથી કંટાળી બહારથી રિપેરિંગ કરનારાને બોલાવી તેને રૂા. બે હજાર ચૂકવી મશીનનું સમારકામ કરાવ્યું હતું.