(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
છેલ્લા બે-ત્રણ દિવસથી કારીગરોનો અજંપો ઓછો થઈ ગયો છે. હવે તેઓ વતન તરફ પગપાળા નીકળી રહ્યાં હોય એવાં દૃશ્યો જોકે, અદૃશ્ય થઈ ગયા છે. કારીગરોને પગાર ચુકવી આપવાની તાકીદ અને તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાને કારણે, કારીગરો વિસ્તાર છોડતા નથી. પરિસ્થિતિ અત્યારે ખૂબ જ અંકુશમાં આવી ગઈ હોય એવું છેલ્લા બે – ત્રણ દિવસથી દેખાઈ રહ્યું છે.
છેલ્લે ગત સોમવારે કારીગરો પગપાળા હાઈ-વે તરફ જતા જોવાયા હતા. પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ ખરેખર જ સુધરી છે અને કારીગરોએ બહાર નીકળવાનું ઓછું કરી નાખ્યું છે. સુરતમાં કારખાનેદારો તરફથી બધી વ્યવસ્થા કરવામાં આવી હોવાથી, ખાસ્સો ફરક જોવાયો છે. પીપોદરાના એક કારખાનેદાર રસિક કોટડીયાએ જણાવ્યું કે સરકાર તરફથી સૂચના મળ્યા પછી અમે સૌએ પગાર આપવાનું શરૂ કરી દીધું છે અને મોટાભાગનાનો પગાર થઈ ગયો છે. આ ઉપરાંત કારીગરોને તેમની જરૂરિયાત મુજબ ચોખા, કાંદા-બટાકા અને ઘઉંના લોટની વ્યવસ્થા કરી આપી છે, કે જેથી કારીગરો પોતાનું રોજેરોજનું રાંધીને ખાઈ શકે. તેમણે વધુમાં જણાવ્યું કે અત્યારે હાઈ-વે તદ્દન શાંત થઇ ગયા છે, અને અત્યારે કોઈ જ પગપાળા જતું નજરે પડતું નથી. અત્યારના સંજોગોને ધ્યાનમાં લઈને કારખાનેદારો પોતાની સગવડ પ્રમાણે બે દિવસમાં એક વખત વસાહતોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.