(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧ર
કોંગ્રેસના ધારાસભ્યનું અનામત જાતિ પ્રમાણપત્ર ખોટું હોવાનું કહી રદ કરવાના બહાર આવેલ ચર્ચાસ્પદ પ્રકરણ બાદ હવે રાજય સરકાર સાબદી બની એકશન મોડમાં આવી હોય તેમ જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો દ્વારા સરકારી નોકરીઓ તેમજ શૈક્ષણિક લાભો મેળવનાર તથા અનામત બેઠક ઉપર ચૂંટણી જીતવા સહિતના લાભો મેળવનારા સામે કડક પગલાં લેવા નવો કાયદો લાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ રીતે ખોટા પ્રમાણપત્રો થકી લાભો મેળવનાર, આપનાર તથા મદદ કરનારાઓને ત્રણ વર્ષની સજા તથા આકરો દંડ કરવાની જોગવાઈ સાથેનું વિધેયક-વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર લાવવા જઈ રહી છે. રાજય સરકારે ઐતિહાસિક નિર્ણય કરતા આગામી વિધાનસભા સત્રમાં આદિવાસી દલિત અને બક્ષીપંચના અનામતના બંધારણીય અધિકારોના રક્ષણ માટે કાયદો લાવવામાં આવશે. આ કાયદા વિશે જણાવતા સરકારના મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી, દલિત અને બક્ષીપંચના જાતિના ખોટા પ્રમાણપત્રો દ્વારા સરકારી નોકરી શૈક્ષણિક લાભો, ચૂંટણીના કે અનામત હેઠળના ખોટા પ્રમાણપત્રોના આધારે કોઈપણ લાભો લેનાર, આપનાર કે મદદ કરનારાઓને ત્રણ વર્ષની જેલની સજા અને રૂપિયા પ૦ હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવશે. તાજેતરમાં ખોટા જાતિના પ્રમાણપત્ર ઈશ્યુ કરવા બાબતે તેમજ ખોટા જાતિના પ્રમાણપત્રોના આધારે અનામતના લાભો મેળવાતા હોવાની રજૂઆતોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની જણાવીને મંત્રીએ વધુમાં કહ્યું કે બંધારણીય અનામત હેઠળ આવતા વર્ગોના હિતોનું રક્ષણ કરવા માટે રાજય સરકાર કટિબધ્ધ છે. ખોટા પ્રમાણપત્રના આધારે નોકરી મેળવેલ હશે તો તેમણે નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે. એટલું જ નહીં નોકરી દરમ્યાન મેળવેલ અનુદાન, ભથ્થા કે અન્ય નાણાકીય લાભોની વસૂલાત પણ કરવામાં આવશે. આવા પ્રમાણપત્રોના આધારે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો હશે. તો પ્રમાણપત્રો રદ કરીને તેની સામે શિક્ષાત્મક પગલાંઓ લેવામાં આવશે. ઉપરાંત જો કોઈ ડિગ્રી મેળવી હશે તો તે પણ રદ થશે તેમજ આ પ્રમાણપત્ર થકી મેળવેલ લાભો જેવા કે શિષ્યવૃતિ કે અન્ય લાભોની વસૂલાત કરવામાં આવશે તેમ પણ મંત્રી વસાવાએ કહ્યું હતું.
બંધારણીય રીતે અનામતની જગ્યાઓ ઉપર ચૂંટણી લડી વિજેતા બન્યા હોય તો સભ્ય ગેરલાયક ઠરશે. તેમજ મેળવેલા લાભોની વસૂલાત કરવામાં આવશે. હવે પછી બંધારણીય રીતે અનામતવાળી જગ્યાઓ ઉપર શિક્ષણ, સરકારી નોકરી, અથવા ચૂંટણીમાં અનામતનો લાભ મેળવવા માટે જાતિ પ્રમાણપત્રો સમિતિ મારફતે ફરજિયાત ચકાસણી કરાવવાની રહેશે તેમ વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું.