અમદાવાદ, તા.૮
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર અને હાર્દિક પટેલની સાથે ખભેથી ખભો મિલાવીને આંદોલનમાં અડીખમ રહેનારા દિનેશ બાંભણિયાએ પાસમાંથી રાજીનામુ ધરી દીધું છે. પાસના ખાસ ખાસ સભ્યો હવે પાસથી દૂર થઈ રહ્યા છે. દિનેશ બાંભણિયાએ અનામતની લડાઈ હવે રાજનૈતિક બની ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે.
પાટીદાર અનામત આંદોલનમાં એક પછી એક પાસના સભ્યોએ આંદોલનથી અને હાર્દિક પટેલથી છેડો ફાડી ભાજપના ખોળામાં બેસી ગયા છે ત્યારે અત્યાર સુધી હાર્દિક પટેલ સાથે કદમથી કદમ મિલાવનારા અને હંમેશા સાથ નિભાવનારા પાસના સભ્ય દિનેશ બાંભણિયાએ શુક્રવારે પાસના સભ્યપદેથી રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ પત્રકાર પરિષદ સંબોધીને રાજીનામુ આપ્યાનું જણાવ્યા બાદ દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે હાલ તે કોંગ્રેસ પક્ષની અનામતની ફોર્મ્યુલા સાથે સહમત નથી. એટલે અનામતની લડાઈ ચાલુ જ રાખશે. કોંગ્રેેસે જાહેર કરેલી ફોર્મ્યુલા મુજબ અનામત મળે તે શક્ય જ નથી. અનામતની લડાઈમાં આજે પણ હું હાર્દિક પટેલની સાથે છું પરંતુ હાલમાં આ લડાઈ હવે રાજનૈતિક બની ગઈ છે. હાર્દિક પટેલ સમાજનો ઉપયોગ રાજકીય પ્લેટફોર્મ તરીકે કરી રહ્યો છે. અનામત મુદ્દે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ જ નથી વધુમાં દિનેશે કહ્યું હતું કે હાર્દિક પટેલની આટલી બધી સીડી મોર્ફ હોય નહી. પાટીદાર સમાજને હું કોઈને મત આપવા માટે કહેતો નથી. સમાજને તેની મૂળભૂત માગણી અનુસાર ઓબીસી ક્વોટામાં અનામત મળવી જોઈએ. જો કે ભાજપમાં જોડાવવા અંગે દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે હું ભાજપમાં જોડાવાનો નથી.
દિનેશ બાંભણિયાના રાજીનામા બાદ પાસના પૂર્વ કન્વીનર નિખિલ સવાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ પર કરેલા આક્ષેપો પાયાવિહોણા છે. મતદાનના આગલા દિવસે આવા આક્ષેપો કરવા એ ચોક્કસપણે દેખાઈ આવે છે કે આ આક્ષેપો કોઈના દબાણમાં આવીને કર્યા હોય એવું લાગે છે. પાટીદારો સમજુ છે અને પાટીદારોને શું કરવું એ પાટીદારો જાણે જ છે કહીને સવાણીએ બાંભણિયાના આક્ષેપોને ફગાવી દીધા હતા.