અમદાવાદ,તા.૧૮
પાસના કન્વીનર અને રાજદ્રોહના કેસમાં જેમનું નામ ખૂબ ચગ્યુ હતું તે અમરીષ પટેલ અને કેતન પટેલ આજે વિધિવત્‌ રીતે જોડાઇ ગયા હતા. આ બંને આગેવાનો સાથે પાસના મહિલા અગ્રણી શ્વેતાબહેન પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પાસના ત્રણેય અગ્રણીઓને ભાજપનો ભગવો ખેસ પહેરાવી તેમનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. ભાજપમાં જોડાયા બાદ અમરીષ પટેલે જણાવ્યું હતું કે, અનામત આંદોલનની શરૂઆતથી પાસમાં જોડાયેલો હતો. અમે લોકોએ અનામત માટે આંદોલન કર્યું હતુ પરંતુ અત્યારે હાર્દિકની આગેવાનીમાં આંદોલને દિશા બદલી છે. હાર્દિક મૂળ અને મુખ્ય મુદ્દાથી ભટકી ગયો છે. કોંગ્રેસને હવે ચૂંટણી સમયે પાટીદારો યાદ આવ્યા છે. ભાજપ સરકારે અમારી પાસેની બધી જ માંગણીઓ સ્વીકારી લીધી છે ત્યારે હવે આંદોલન ચાલુ રાખવાનો કોઇ મતલબ રહેતો નથી. આ પ્રસંગે શ્વેતાબહેન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ સાથે ચેડા ના થવા જોઇએ. ગુજરાતની દિકરી તરીકે હું ગુજરાતને તૂટતા ના જોઇ શકું. અમારા આંદોલનમાં કોઇ પાર્ટીને જીતાડવા કે હરાવવાનો મુદ્દો જ ન હતો. માત્ર અનામત મુદ્દે લડતા હતા. હવે કોંગ્રેસને જીતાડવાની વાતો થાય છે, તે અમે સાંખી નહી લઇએ.કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયેલા કેતન પટેલે પક્ષનો ભગવો કેસ ધારણ કર્યા બાદ પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે હંમેશા સરદાર સાહેબનું અને પાટીદારોનું અપમાન કર્યું છે. હાર્દિક આણિમંડળી દ્વારા અનામત આંદોલનનું કોંગ્રેસીકરણ થઇ ગયું છે. હાર્દિકના કથિત વીડિયો અને સીડી મુદ્દે હાર્દિકે આવી બીજી સીડી જાહેર થશે અને તમે જુઓ, મોજ કરો એ મતલબના નિવેદન કરીને સમાજ જીવનનું અપમાન કર્યું છે. સમગ્ર સમાજનું અપમાન કર્યું છે. કેતન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા અઢી વર્ષથી અમે પાસના અનામત આંદોલનમાં નિષ્ઠાપૂર્વક સહયોગ આપતા હતા પરંતુ હાર્દિક અને દિનેશ બાંભણીયાના ઇશારે આ આંદોલનનું કોંગ્રેસીકરણ થઇ ગયું છે અને સમાજના મુદ્દા ભૂલાઇ ગયા છે. હાર્દિક આણિમંડળીને અમે કોંગ્રેસ સાથે સોદો ના કરવા દીધો એટલે અમને આંદોલનથી દૂર કરી દેવાયા. ભાજપ સરકારના સહકારની ઘટનાને યાદ કરતાં કેતન પટેલે વધુમાં ઉમેર્યું કે, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સહિતના સાત-સાત મંત્રીઓ સકારાત્મક ચર્ચા અને સમાજના લાભ માટે મીટીંગો બોલાવી કલાકો સુધી અમારી સાથે બેસી રહ્યા હતા, તે આજે પણ યાદ આવે છે. જયારે ગઇકાલે કોંગ્રેસે જે અપમાન કર્યું છે તે જોઇને પાટીદાર સમાજ વ્યથિત છે. જો કે, રાજદ્રોહના કેસ લાગ્યા છે તેવા પાસના સભ્ય અમરીશ પટેલ અને કેતન પટેલ, ચિરાગ પટેલને ભાજપે આવકારીને પાર્ટીમાં જોઈન કર્યા છે. ત્યારે પાર્ટીનું લેવલ નીચે ગયું કે આ રાજદ્રોહના કેસવાળા પાસના સભ્યોનું લેવલ ઉંચું આવ્યું છે. તેવા પ્રશ્ન પૂછાતાં મંત્રી મનસુખ માંડિયાએ જણાવ્યું હતું કે કેસ હોવો અને ચાર્જશીટ થવી એ વ્યક્તિગત બાબત છે.