(એજન્સી) હૈદરાબાદ, તા.૯
તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર મુસ્લિમો માટે ૧ર ટકા અને પછાત જાતિઓ માટે ૧૦ ટકા અનામતની માગણીઓ કરી રહી છે પણ ભારત સરકારે એમના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. ટીઆરએસના સાંસદો માગણી કરી રહ્યા છે કે અનામતનો નિર્ણય કરવાની સત્તા રાજ્ય સરકારને આપવામાં આવે અને બીજી તરફ ટીડીપી સાંસદના પ્રશ્ન અનુસંધાને ગૃહમંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી હંસરાજ ગંગારામે રાજ્યસભામાં જાહેરાત કરી છે કે આ પ્રકારની અનામત ગેરબંધારણીય છે. જેથી તેલંગાણા સરકારનું બિલ અમે પાછું મોકલીએ છીએ. ગંગારામે જણાવ્યું કે બંધારણના અનુચ્છેદ ૧૬ (૪) હેઠળ સરેરાશ અનામત આપવાની જોગવાઈ છે પણ વસ્તીના ધોરણે અનામત આપવાની જોગવાઈ નથી. આ બિલ રાષ્ટ્રપતિ પાસે અનુચ્છેદ ર૦૧ હેઠળ મોકલાયું હતું. આ પહેલાં બિલ સંબંધિત મંત્રાલયોને પણ મોકલ્યો હતો. જે પછી આ બિલની વિચારણા અનુચ્છેદ ૧૬ (૪) હેઠળ કરવામાં આવી હતી અને નિર્ણય કર્યો છે કે આ બિલ સુપ્રીમ કોર્ટના નિર્દેશો વિરૂદ્ધ છે અને અમે સુપ્રીમ કોર્ટના નિર્દેશોથી બંધાયેલા છીએ. કેન્દ્ર સરકારે વધુમાં જણાવ્યું કે તેલંગાણાની સરકારે અનામત આપવા માટેના નક્કર કારણો જણાવ્યા નથી. તેલંગાણા સરકાર પ૦ ટકાથી વધુ અનામતની માગણી કરી રહી છે જે સંભવિત નથી. તેલંગાણા સરકાર જણાવે છે કે બંધારણના અનુચ્છેદ ૧૬ (૪)માં સુધારો કરી અમારૂં બિલ પસાર કરવું જોઈએ અને આ સત્તા રાજ્ય સરકારોને આપવી જોઈએ. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે તેલંગાણા સરકારે પોતાની રજૂઆતો નક્કર પુરાવાઓ અને ઉદ્દેશ્યો સાથે કરી નથી. કેન્દ્ર સરકારે બિલ પાછું મોકલ્યું હોવાથી ટીઆરએસની હવે પરીક્ષા શરૂ થશે. તેલંગાણા સરકાર આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જવાની છે જો કે કેન્દ્ર સરકારે આ બાબતે કોઈ પ્રતિસાદ આપ્યો નથી.