(એજન્સી) મુંબઇ, તા. ૨૦
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે રવિવારે પાલઘર લિંચિંગની ઘટનામાં ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હોવાની જાહેરાત કરી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ઘટનાને વિવાદાસ્પદ વળાંક આપવાના પ્રયાસ કરનારાઓ પર પોલીસની ચાંપતી નજર રહેશે. ૧૬મી એપ્રિલની રાત્રે મુંબઇના ત્રણ રહેવાસીઓ સિલવાસાના માર્ગે કાર દ્વારા જઇ રહ્યા હતા ત્યારે પાલઘરના કડગચિંચલે ગામમાં તેમનું લિંચિંગ કરીને હત્યા કરી દેવાઇ હતી. ગામમાં પ્રવેશ કરતી પોલીસ ટીમ પર પણ ટોળાએ હુમલો કર્યો હતો અને ટોળાને વિખેરવા માટે પોલીસે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. કાસા પોલીસે આ ઘટનામાં ૧૧૦ લોકોની ધરપકડ કરી છે અને પૂછપરછ કરાઇ રહી છે. દેશમુખે રવિવારે ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, પાલઘર પોલીસે આ ઘટનામાં ૧૧૦ લોકોની પહેલાજ ધરપકડ કરી લીધી છે અને આ કેસમાં ઉચ્ચસ્તરીય તપાસના આદેશ અપાયા છે. આને વિવાદાસ્પદ વળાંક આપવાના પ્રયાસથી સમાજને ગેરમાર્ગે દોરનારા લોકો પર પોલીસની ચાંપતી નજર રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્યે પણ ટિ્‌વટ કરી જણાવ્યું કે, જે લોકો જવાબદાર છે તેમને પહેલા જ પકડી પડાયા છે અને આમાં કોઇને પણ છટકવા દેવાશે નહીં. જ્યારે શુક્રવારે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા હતા જેમાં પોલીસ દ્વારા વધુ પડતા આકરા વલણને દર્શાવીને ત્રણ પીડિતોને બચાવવા માટે કાંઇ નહીં કર્યું હોવાનું જણાવાયું હતું આ વીડિયો રવિવારે વધુ વાયરલ થયા હતા અને આક્રોશ ભડકાવ્યો હતો. બાદમાં સોશિયલ મીડિયા પર ઘટનાને કોમવાદી સ્વરૂપ આપવાનું શરૂ કરાયું હતું અને લોકો કોમવાદી નિવેદનો આપતા ધ્યાને આવ્યા હતા કારણ કે, ત્રણમાંથી બે હિંદુ ધાર્મિક નેતાઓ હતા. ભાજપના સંબિત પાત્રા જેવા નેતાએ પણ એક વીડિયો શેર કર્યો હતો જેમાં દાવો કરાયો હતો કે, મહારાષ્ટ્રમાં સંતોની લિંચિંગ કરાઇ. આ લિંચિંગની ઘટના ભારતના ટિ્‌વટર પર ટ્રેન્ડિંગ થઇ રહી છે.