પોરબંદર, તા.ર૧
પોરબંદરના વીંજરાણા ગામે પોતાનો જીવ જોખમમાં હોય જિલ્લા પોલીસ દ્વારા પરત લેવાયેલ પોલીસ રક્ષણ પુનઃ પૂરું પાડવા અનુ.જાતિના માજી સરપંચે પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી છે.
પોરબંદરની ર૦ કિ.મી. દૂર વીંજરાણા ગામની વસ્તી આશરે ૧પ૦૦ની છે. આ ગામના મોટાભાગે મેર જ્ઞાતિનું વર્ચસ્વ છે. ગામમાં અસ્પૃશ્યતા જાહેર જગ્યાઓમાં નજરે જોવા મળે છે. દલિતોને મંદિરમાં પ્રવેશવા ન દેવા ગામમાં વાણંદ દ્વારા વાળ-દાઢી ન કરવી, ચાની હોટલમાં અલગ કપ-રકાબીમાં ચા આપવી ગામની દૂધની ડેરી કે રેશનીંગની દુકાનમાં અસ્પૃશ્યતા રાખવી, દલિતોએ ઢોર ખેંચવા પ્રાથમિક શાળામાં બાળકોને અલગ બેસાડવા જેવી બાબતો જોવા મળે છે. વર્ષ ર૦૧રમાં યોજાયેલ ગ્રાં.પં.ની ચૂંટણીમાં અનુ.જાતિના આ કાર્યકર અને આરટીઆઈ એક્ટિવીસ્ટ સુમનભાઈ બેચરભાઈ ચાવડા (ઉ.વ.૪૦) ગ્રા.પં.માં સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ઉપસરપંચ તરીકે સુમનભાઈ ચાવડા ચૂંટાઈ આવ્યા હતા અને ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા. ગામના સરપંચ પદે નાથાભાઈ મોઢવાડિયા હતા. આ સરપંચના સંબંધીના ઘરે તેમનું ઢોર મરી જતા તેને ઢસરવા લઈ જવા કહેવામાં આવેલ પરંતુ તેમણે ઢોર ઢસરવાનો ઈન્કાર કરેલ દરમ્યાન ગામની શાળામાં મધ્યાહન ભોજનનો રૂમ પાડવામાં આવેલ જેમાં ભ્રષ્ટાચાર થયા અંગેની માહિતી તેમણે માંગેલ અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરેલ તથા તા.૪/૯/ર૦૧રના રોજ મીડિયાને બોલાવી શુંટિંગ કરાવી ટી.વી. સમાચારમાં આપવા કવરેજ કરાવેલ આજ દિવસે સાંજે વીંજરાણા ગામે શુટિંગ પતાવી તેઓ પોતાનું દ્વિચક્રી વાહન કાટવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે મૂકેલા જે લેવા ગયેલ ત્યારે ગામના ૯ મેર લોકો કાવતરૂ રચી વાહનો લઈને આવેલ અને જાતિ વિષયક ગાળો બોલી તું મોટો નેતા થઈ ગયો છે હવે તને બતાવી દેવું છે તેમ કહી તેમના પર હુમલો કરી બેલાના પથ્થરોના ઘા કરી હાથ-પગ ભાંગી નાંખેલ બનાવ અંગે તેમણે બગવદર પો.સ્ટે.ના ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ બાદ ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અને મુખ્ય બે આરોપીની દોઢ મહિના બાદ ધરપકડ કરવામાં આવી હતી.
આ દરમ્યાન પોરબંદરના એસસી/એસટી સેલના ડીવાયએસપી પઠાણ ધરમપુર આવેલ અને સુમનભાઈના જીવના જોખમ સામે ૪ હથિયારધારી પોલીસનું રક્ષણ આપેલ જેમાંથી છેલ્લે એક જવાનનું રક્ષણ કરી નાંખેલ દરમ્યાન તા.ર૧/ર/ર૦૧પના દિવસે પોરબંદર જતી વેળા તેમના પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. ત્યારબાદ તેમને પિસ્તોલ બતાવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવેલ તા.૧૦/૭/૧પના રોજ તેમને બગવદરથી ફોન આવેલ કે તમામ પોલીસ રક્ષણ પાછું ખેંચવામાં આવે છે જેની તેમણે કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. જેમાં ડીવાયએસપી હડીયાનો રિપોર્ટ આવેલ કે તમને પોલીસ રક્ષણની જરૂર નથી. તમને આખી જિંદગી રક્ષણ આપી ન શકીએ. તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. જેથી પોતાની જાનને જોખમ હોવાનું લાગતા તેઓ બીકના માર્યા હિજરત કરી પોરબંદર એરોડ્રોમ પાસે આવેલ સીતારામ નગરમાં ઝુંપડું બનાવી રહે છે. સુમનભાઈએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા છતાં તેમની યાતનાઓ ઓછી થવાની નામ નથી લેતી.
અમારા જીવના જોખમ સામે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ફાળવવામાં આવેલ પોલીસ રક્ષણ કોઈપણ કારણ વગર હટાવી દેવામાં આવેલ છે. અમોને અમારા જીવનના ભય સામે રક્ષણ આપવા માટે તાત્કાલિક વિના વિલંબે અમોને પોલીસ રક્ષણ પૂરું પાડવા નમ્ર વિનંતી કરવામાં આવી.