(એજન્સી) તા.૧૫
ડો.કફીલખાને યુરોપિયન સંસદના માનવ અધિકાર પરની સબ કમિટીના અધ્યક્ષ મારિયા એરીનાને પત્ર લખીને યુએપીએ અને દેશદ્રોહ હેઠળ વિવિધ ખોટા આરોપસર જેલમાં બંધ માનવ અધિકાર રક્ષકોની મુક્તિ માટે ભારત સરકારને અનુરોધ કરવા બદલ તેમનો આભાર માન્યો છે. પોતાના જેલવાસના દિવસો દરમિયાન અંગે વાત કરતા ડો.કફીલે લખ્યું છે કે મારા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો.
ડો. કફીલખાને એટલી હદે લખ્યું છે કે સાત માસના તેમના જેલવાસ દરમિયાન તેમને ઘણા દિવસો સુધી ભોજન કે પાણી પણ આપવામાં આવ્યું ન હતું અને અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ મહામારીનો ખતરો હોવા છતાં તેમને મથુરાની ગીચ અને ભરચક જેલમાં રાખવામાં આવ્યાં હતાં. ડો. કફીલખાને ભેદભાવયુક્ત નાગરિકતા સુધારા કાયદો અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ વિરુદ્ધ શાંતિપૂર્વક દેખાવો કરવા બદલ કઇ રીતે સામાજિક કર્મશીલો માનવ અધિકારના રક્ષકો, પત્રકારો અને અન્ય વ્યાવસાયિકોની ધરપકડ કરવામાં આવી હતી. તેની વિસ્તૃત વિગતો આપીને પત્રમાં જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો-યુએપીએનો રાજકીય વિરોધીઓ સામે થતો ઉપયોગ તમામ કેસોમાં વખોડવાપાત્ર છે. ઉમર ખાલીદ, પ્રશાંત કનોજીયા, અખિલ ગોગોઇ, આનંદ તેલતુંબડે, ગૌતમ નવલખા, ખાલીદ સૈફી, મીરા હૈદર, સ્ટેનસ્વામી, સરજીલ ઇમામ અને અન્યો સહિત સેંકડો કર્મશીલોની અપીલ સત્તાવાળાઓએ કાને ધરી ન હતી એવું યાદ અપાવીને ડો.કફીલે ચિંતા વ્યક્ત કરી છે કે તેઓ હજુ પણ જેલના સળિયા પાછળ સબડી રહ્યા છે. મારિયા એરીના પ્રત્યે આભાર વ્યક્ત કરતો પત્ર લખીને તેમણે દોહરાવ્યું હતું કે સત્તાવાળાઓ માનવ અધિકાર રક્ષકો વિરુદ્ધ પ્રોસીઝરલ પોલીસ સત્તાઓનો ઉપયોગ કરીને આતંકવાદ વિરોધી અને રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો ઉપયોગ કરી રહ્યાં છે. આમ ડો.કફીલખાને પોતાની સામે ભલે ગમે તેટલા અવરોધો ઊભા કરવામાં આવ્યાં હોય કે હજુ ઊભા કરવામાં આવશે તો પણ તેણે લડત ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે. કર્મશીલોને લડત ચાલુ રાખવાનો અનુરોધ કરીને તેમણે પોતાના દેશની સેવા પ્રત્યે નિષ્ઠા અને નિર્ધાર સાથે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.