(એજન્સી) ચેન્નાઈ, તા.ર૪
તમિલનાડુ તરફથી ઝડપથી આગળ વધી રહેલુ વાવાઝોડુ “નિવાર” ૨૫ નવેમ્બરે તટ પર ટકરાવવાની આશંકા છે. આ દરમિયાન ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હાલ ચેન્નાઈના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે.
રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાના ખતરાને જોતા સમીક્ષા બેઠક કરવામાં આવી છે જેમાં જિલ્લા વહીવટી તંત્રને તૈયાર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ આગામી આદેશ સુધી ૭ જિલ્લાઓમાં બસ સર્વિસ પર રોક લગાવી દેવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ટ્રેનો પણ મહદઅંશે રદ્દ કરી દેવામાં આવી છે.
બીજી તરફ આંધ્રપ્રદેશના મુખ્ય કાંઠા વિસ્તારોના મોટાભાગના જિલ્લાઓને આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી બાદ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વાવાઝોડા “નિવાર”ની સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુ અને પુડુચેરીના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. વડાપ્રધાન મોદીએ કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું વધારે શક્તિશાળી બનવાની પૂરી શક્યતા છે. જે તમિલનાડુ અને પુડુચેરીના કાંઠે આવતીકાલે બપોરે કરઈકાલ અને મામલ્લાપુરમ વચ્ચે ૧૦૦થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાઈ શકે છે જેની ગતિ વધીને ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ જઈ શકે છે. વાવાઝોડાની અસરના પગલે તમિલનાડુ અને પુડુચેરીમાં ૨૬ નવેમ્બર સુધી ભારે વરસાદ વરસી શકે છે. જેના કારણે નાગપટ્ટમ જિલ્લામાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે માછીમારોને ૨૬ નવેમ્બર સુધી દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ વાવાઝોડાના સંકટને જોતા એનડીઆરએફની ૬ ટીમે કુડ્ડુલોરમાં અને બે ટીમો ચેન્નઈમાં તૈનાત કરવામાં આવી રહી છે. રાહત શિબિરોમાં પણ કોરોના પ્રોટેકોલનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એનડીઆરએફના અધિકારીએ કહ્યું કે, વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય માટે ૩૦ ટીમો તૈયાર કરવામાં આવી છે જેમાંથી ૧૨ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જ્યારે ૧૮ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.