અંકલેશ્વર, તા.૧
અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની અને ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર મર્હૂમ અહમદ પટેલના નિધન બાદ નેતાઓ અને સમર્થકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પીરામણ ગામ આવી રહ્યા છે. ત્યારે કોરોનાના કપરાકાળને ધ્યાનમાં રાખી મર્હૂમ સાંસદ અહમદ પટેલના પરિવારજનો દ્વારા ઓનલાઈન શ્રદ્ધાંજલિ સભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મર્હૂમ સાંસદ અહમદ પટેલના નિધન બાદ અનેક નેતાઓ અને સમર્થકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પીરામણ ગામ આવી રહ્યા છે. ત્યારે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમજ બહાર ગામથી આવતા લોકો મર્હૂમ અહમદ પટેલને ઓનલાઈન શ્રદ્ધાંજલિ પાઠવી શકે તે માટે આજરોજ ઓનલાઈન શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન શ્રદ્ધાંજલિ સભામાં મર્હૂમ સાંસદ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ, પુત્રી મુમતાઝ પટેલ તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્ય તેમજ દેશના અનેક પ્રદેશોમાંથી નેતાઓ તેમજ સમર્થકોએ ઓનલાઈન શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે કેટલાક અગ્રણી નેતાઓ તેમજ સમર્થકો પીરામણ ગામ ખાતે આવી મર્હૂમ અહમદ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મર્હૂમ અહમદભાઈ પટેલની શોકસભામાં ઉચ્ચ રાષ્ટ્રીય નેતાઓ ઓનલાઈન જોડાયા હતા. આ શોકસભમાં યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સત્યજીત ગાયકવાડ તથા પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, ધારાસભ્ય દુસ્યંત પટેલ, માજી ધારાસભ્ય ખુમાનસિંહ વાસિય, નરેન્દ્ર મુખી, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો, ધારાસભ્ય હિમ્મતસિંહ પટેલ, રોહન ગુપ્તા તથા મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના આગેવાનો સહિતના અનેક મહાનુભાવો રૂબરૂ પીરામણ ગામ ખાતે અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ, પુત્રી મુમતાઝ પટેલ સિદ્દીકી તથા તેમના પરિવારજનોને મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વર્ચ્યુઅલ શોકસભામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા, શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી સહિતના રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાના કોંગ્રેસના આગેવાનો તેમજ નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.