ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળ ત્રીજા દિવસે પણ જારી
રાજકોટના તબીબોએ રસ્તા પર જઈ માસ્ક વિના ફરતા લોકોને માસ્કનું વિતરણ કર્યું

(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ, તા.૧૫
સ્ટાઈપેન્ડ અને માનદ વેતન વધારવાની માંગ સાથે સોમવારથી હડતાલ પર ઉતરેલા રાજ્યના ઇન્ટર્ન ડોક્ટરોએ બુધવારે ત્રીજા દિવસે પણ હડતાલ જારી રાખી હતી. રાજ્ય સરકારે હડતાલને ગેરકાયદેસર જાહેર કરી ડોક્ટરોની ગેરહાજરી પુરવાની ધમકી આપ્યા છતાં ડોક્ટરો પર તેની કોઈ અસર થઈ ન હતી અને રાજ્યની તમામ હોસ્પિટલમાં ડોક્ટરોએ હડતાળ જારી રાખી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત ડોક્ટરોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજી રક્તદાન કરી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ કોરોનાથી સાજા થયેલા કેટલાક ડૉક્ટરોએ પ્લાઝમા ડોનેટ કર્યું હતું તો ક્યાંક લોકોને માસ્કનું વિતરણ કરી તેની અગત્યતા સમજાવી હતી. ઇન્ટર્ન ડોક્ટરોએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમારી માગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ જારી રહેશે.
ઈન્ટર્ન ડોકટરોએ તેમને હાલમાં મળતાં સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ કરી છે. હાલ તેઓને રૂપિયા ૧૨,૫૦૦ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે, જે અન્ય રાજ્યો કરતાં ઓછું હોવાથી રૂપિયા ૨૦,૦૦૦ કરવા તથા માનદ વેતનમાં પણ વધારો કરવા ઇન્ટર્ન તબીબોની માગણી છે. આ માગણી સ્વીકારવાની માંગ સાથે રાજ્યના તમામ ઈન્ટર્ન ડોકટરો સોમવારથી તમામ સેવાઓથી અળગા રહી હડતાળ પર ઉતરી ગયા છે. ત્યારે આજે ત્રીજા દિવસે પણ ઈન્ટર્ન ડોક્ટરોની હડતાળ યથાવત્‌ છે.
ઈન્ટર્ન ડોક્ટરોના જણાવ્યા અનુસાર આજે અમારી હડતાળનો ત્રીજો દિવસ છે. સોમવારે નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી જે મુદ્દાઓ ઉઠાવ્યા એ મુદ્દે અમે જણાવવા માગીએ છીએ કે તેમનો સૌથી પહેલો મુદ્દો એવો હતો કે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ અને અહીંયાથી જે ગ્રેજ્યુએટ થયા છે. તેની સરખામણી કરી છે. જે સરખામણી સાવ પાયાવિહોણી છે. એ લોકોએ એમસીઆઈ રેક્ગનાઈઝ કોલેજમાંથી અભ્યાસ કર્યો નથી. જ્યારે અમે એમસીઆઈ રેક્ગનાઈઝ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. એટલે એમસીઆઈની ફી ૧ લાખ રૂપિયા આપવી પડે છે. એ લોકો માટે કોઈ બોન્ડ પણ હોતો નથી. જ્યારે અમારા માટે ૩ વર્ષનો ૫ લાખ, ૧ વર્ષનો ૨૦ લાખ એવી રીતે બોન્ડ હોય છે. જેથી અમે સ્ટાઈપેન્ડ વધારવા માંગ કરીએ છીએ. આજે ત્રીજા દિવસે વિવિધ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડૉક્ટરોએ ડોનેશન કેમ્પ યોજી રક્તદાન કર્યું હતું અને આ રક્ત ગરીબ દર્દીઓની સેવામાં અર્પણ કર્યું હતું. ઉપરાંત સાત જેટલા ડોક્ટર કે જેઓ અગાઉ કોરોનામાં સપડાઈ ચૂક્યા હતા તેઓ એ પ્લાઝમા ડોનેટ કર્યું હતું. જ્યારે રાજકોટની હોસ્પિટલના ડોક્ટરોએ રસ્તા પર જઈ જે લોકોએ માસ્ક પહેર્યા હતા તેઓને મફતમાં માસ્કનું વિતરણ કરી તેની અગત્યતા સમજાવી હતી.